ધારાસભ્ય ગેનીબેનનું સગાભાઈ પાસેથી દારૂની બોટલો મળવા મામલે નિવેદન, જુઓ શું કહ્યું
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસી આગેવાન સામે દારૂ ના કેસ કરાયા બાદ પાસા મામલે જિલ્લા કલેકટરને અગાઉ રજૂઆત થઈ હતી. જેના થોડા જ દિવસમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ના ભાઈ પણ દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા હડકંપ મચી ગયો છે. ગેનીબેન ઠાકોરે દારૂ મળવા અંગે પોલીસ સામે આક્ષેપો કર્યા હતા ત્યારબાદ તેમનો ભાઈ દારૂ પીધેલી અવસ્થામાં ઝડપાતા પોલીસે તેની સામે ભાભર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે.
જિલ્લા એલસીબી એ અબાસણામાં રેડ કરી ત્યારે પકડાયા હતા
બનાસકાંઠા જિલ્લામાં દારૂ મળવા અંગે અને દારૂના કેસમાં એક કોંગ્રેસી આગેવાન સામે પોલીસ દ્વારા થઈ રહેલી પાસા ની સંભવીત કાર્યવાહીને લઈને થોડા દિવસ અગાઉ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય રઘુ રબારી સહિત આગેવાનોએ બનાસકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાનો સામે દારૂના કેસમાં કરીને બાદમાં પાસાની કાર્યવાહીને લઈને જિલ્લા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા. દરમ્યાન જિલ્લા એલસીબી પોલીસે ભાભર તાલુકાના અબાસણા ગામમાં પ્રહલાદ મણાજી ઠાકોરના રહેણાકમાં રેડ કરી હતી. જ્યાંથી વિદેશી દારૂની ₹400 ની કિંમતની બોટલ નંગ ચાર મળી આવતા કબજે કરી હતી. આ દરમિયાન પ્રહલાદજી ઠાકોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ગેનીબેન ઠાકોરે મીડિયા સમક્ષ આપ્યું નિવેદન…
આ સમયે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ રમેશભાઈ નાગજીજી ઠાકોર દારૂ પીધેલી હાલતમાં મળી આવતા પોલીસે તેમની અટકાયત કરીને ભાભર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો. આમ દારૂ સામે સવાલો કરનારા વાવના ધારાસભ્યનો ભાઈ જ દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા જ હડકંપ મચી જવા પામ્યો છે. જોકે આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં ગેનીબહેને કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવી અને બાદમાં ઉમેર્યું હતું કે, અમે દારૂ અંગે પ્રશ્ન ઉઠાવતા હોવાથી પોલીસ રાજકીય દબાણ હેઠળ આવી કાર્યવાહી કરી રહી છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
આ પણ વાંચો : દારુડિયાઓ સામે કાર્યવાહીની માંગ કરનાર ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો સગો ભાઇ જ દારૂ સાથે ઝડપાયો