ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકસભાની ચૂંટણી પહેલા PMનો માસ્ટરસ્ટ્રોક, દોઢ વર્ષમાં 10 લાખની કરાશે ભરતી

Text To Speech

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સાર સમાચાર છે. લોકસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદીએ એક મોટી અને મહત્વની જાહેરાત કરી છે. પીએમ મોદીએ નિર્દેશ આપ્યા છે કે આગામી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકૃત ટ્વિટર હેન્ડલથી કરાયેલી ટ્વિટમાં જણાવાયું છે કે તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી અને નિર્દેશ આપ્યા કે સરકાર દ્વારા આગમી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે. અત્રે જણાવવાનું કે બેરોજગારીના મુદ્દે મોદી સરકાર પર વિપક્ષ સતત આકરા પ્રહાર કરી રહ્યો છે.

કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો આરોપ લગાવતા રહ્યા છે કે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારના કાર્યકાળમાં દેશમાં બેરોજગારી વધી છે. વિપક્ષ સતત સરકાર પર દબાણ પણ સર્જી રહ્યો છે. ચૂંટણીમાં પણ આ મુદ્દો ઉછળતો રહ્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે સરકારી નોકરીના વાયદા પર એનડીએ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કર્યો હતો અને નોકરી આપવાના વચન સાથે સારા પરિણામ લાવ્યા હતા.

2014માં કોંગ્રેસના નેજા હેઠળની યુપીએ-2 સરકારના સૂપડાં સાફ કરીને સત્તા પર આવેલ નરેન્દ્ર મોદીના નેજા હેઠળની એનડીએ સરકારે કાર્યકાળના 7 વર્ષ એટલેકે 2021 સુધીમાં 6.98 લાખ લોકોને જ સરકારી નોકરી આપી છે. 2014થી જાહેર થયેલ ભરતીઓમાં કુલ 6.98 લાખ ખાલી જગ્યાઓ જ ભરાઈ છે તેવું નિવેદન 2જી ડિસેમ્બર, 2021ના રોજ કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે આપ્યું હતુ. એક સવાલના જવામાં સિંહે જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકારે વર્ષ 2014થી તેના વિવિધ વિભાગો માટે લગભગ 6.98 કર્મચારીઓની ભરતી કરી છે.

આ અગાઉ પીએમ મોદીએ એપ્રિલમાં ટોચના સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને વિવિધ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓને ભરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવા કહ્યું હતું જેથી કરીને રોજગારીની તકો ઉભી થાય. ફેબ્રુઆરીમાં રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ એક માર્ચ 2020 સુધીમાં કેન્દ્ર સરકારના વિભાગોમાં 87 લાખ જેટલા પદ ખાલી હતા.

Back to top button