‘બિકીની કિલર’ ચાર્લ્સ શોભરાજ 19 વર્ષ બાદ જેલ માંથી મુક્ત, 15 દિવસમાં જ તેના દેશ પાછો મોકલવા આદેશ


નેપાળની સુપ્રીમ કોર્ટે બિકીની કિલર તરીકે જાણીતા ચાર્લ્સ શોભરાજને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. બે અમેરિકન પ્રવાસીઓની હત્યાના આરોપમાં તે 2003થી નેપાળની જેલમાં કેદ હતો. તેની વધતી ઉંમરને જોતા નેપાળની સુપ્રીમ કોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે કોર્ટે તેને 15 દિવસમાં તેના દેશ ફ્રાંસ પરત મોકલવાનો આદેશ આપ્યો છે.
કોણ છે ચાર્લ્સ શોભરાજ?
78 વર્ષનો શોભરાજ ફ્રાંસનો નાગરિક છે. ચાર્લ્સ ડઝનબંધ હત્યાઓ, ચોરી અને છેતરપિંડીના ઘણા કેસોમાં સામેલ છે. આ સાથે બિકીની કિલર તરીકે જાણીતા ચાર્લ્સ શોભરાજ પર સમગ્ર એશિયામાં 20થી વધુ લોકોની હત્યા કરવાનો આરોપ છે. એવું કહેવાય છે કે ચાર્લ્સ પીડિતોના ખાવા-પીવામાં ડ્રગ્સ ભેળવીને પોતાની યોજનાઓ પૂરી કરતો હતો.

ભારતમાં પણ ધરપકડ
ચાર્લ્સ 1976 માં ભારતમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેણે લગભગ 21 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જો કે આ સમયગાળા દરમિયાન ચાર્લ્સ એકવાર જેલમાંથી ભાગી ગયો હતો, પરંતુ તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તે પોતાની સજા પૂરી કરીને પોતાના દેશ ફ્રાન્સ માટે રવાના થઈ ગયો.
આ પણ વાંચો: દુ:ખદ અકસ્માત : સિક્કિમમાં માર્ગ અકસ્માતમાં આર્મીના 16 જવાન શહીદ
શોભરાજ નેપાળમાં કેમ સજા ભોગવી રહ્યો હતો?
ચાર્લ્સ શોભરાજ 2003થી કાઠમંડુ જેલમાં બંધ હતો. અમેરિકન મહિલા કોની જો બ્રોન્જીચની હત્યા બદલ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ચાર્લ્સે 1975માં નેપાળમાં કોનીની હત્યા કરી હતી. શોભરાજની ઓગસ્ટ 2003માં કાઠમંડુના એક કેસિનોમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
15 દિવસમાં તેના દેશમાં પહોંચવાનો આદેશ
વરિષ્ઠ નાગરિક અધિનિયમ 2063 મુજબ શોભરાજના વકીલે કોર્ટ સમક્ષ તેમની મુક્તિની માંગણી કરી હતી. હવે કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે શોભરાજને 15 દિવસમાં તેના દેશમાં મોકલવામાં આવે. ફ્રાન્સના નાગરિક શોભરાજને લાંબા સમય સુધી સેન્ટ્રલ જેલમાં રાખ્યા બાદ સુપ્રીમ કોર્ટે 21 ડિસેમ્બરે જ તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.