ગત માસમાં મહાઠગ કિરણ પટેલની કાશ્મીરમાં થયેલી ધરપકડ બાદ સમગ્ર મામલો ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગુજરાતના ઘણા મોટા નેતાઓ અને અધિકારીઓ પણ આ ધરપકડ બાદ પોતાના કેટલાક નિયમોમાં ફેરફાર કરી રહ્યા છે. કિરણ પટેલની ધરપકડ બાદ કેટલાય મોટા નેતા અને અધિકારીઓએ પોતાની આસપાસ ફરતા ‘કિરણો’થી છેડો ફાડ્યો છે. પણ દિલ્હીથી આવતા પાવર બ્રોકરો હજુ પણ યથાવત છે.
આ પણ વાંચો : રાજ્યમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, આ તારીખે ભારે પવન સાથે વરસાદની આગાહી
પાવર બ્રોકરો આજે પણ મોટી કોર્પોરેટ્સ ડીલ કરાવવામાં સફળ રહ્યા છે. હમણાં થોડા સમય અગાઉ જ એક મોટી ડીલ આ પાવર બ્રોકરો દ્વારા પાર પાડવામાં આવી છે, જે ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવેલી મોટી ડીલ હતી. પાવર બ્રોકરો જે પહેલા પોતાની ડીલ કરવા માટે સરકારના રેસ્ટ હાઉસ અને ફાઇવ સ્ટાર હોટલનો ઉપયોગ કરતાં હતા તે હવે આ ડીલ કરવા માટે હાઇ-વે પરના ઢાબાનો ઉપયોગ કરી રહ્યા છે. આ ડીલ કરવાનું હાલનુ હોટસ્પોટ હિંમતનગર-શામળાજી હાઇ-વે છે. ગત માસમાં ગુજરાતમાં કેટલાક સ્થળોએ ઇન્કમ ટેક્સ સહિતના દરોડા પડ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ દરોડા પડવામાં પણ પાવર બ્રોકર સાથેની ડીલ જ જવાબદાર હતી. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પાવર બ્રોકરો શિક્ષણ સહિત સરકારના મોટા કોન્ટ્રાક્ટ માટે ગુજરાતના કેટલાક મોટા માથાઓ સાથે ડીલ કરવામાં સફળ રહ્યા છે. આ પાવર બ્રોકરો સાથે ડીલ કરતાં મોટા માથાઓ ભૂતકાળમાં પણ કોઈને કોઈ રીતે તંત્રની નજરમાં પણ આવી ચૂક્યા છે પણ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. જાન્યુઆરી માસમાં અને ફેબ્રુઆરી માસમાં પકડાયેલા કેટલાક આરોપીઓ જે હાલ જેલ હવાલે છે તેઓ પણ આ જ પાવર બ્રોકરનો હિસ્સો જ છે. કિરણ પટેલની ધરપકડ બાદ પાવર બ્રોકરો હવાઈ માર્ગનો ઉપયોગ ન કરી પોતાની મોટર કાર લઈને જ પહોંચે છે. પાવર બ્રોકરો સાથે થતી ડીલમાં સંકળાયેલા કેટલાક સૂત્રોમાં થતાં ગણગણાટ પ્રમાણે પાવર બ્રોકરો આગામી સમયમાં પણ કરોડોની ડીલ કરાવશે.