હાલમાં એક તરફ અમૃતપાલ સિંહનો મુદ્દો ભારત સહિત દુનિયાભરમાં સળગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ખાલિસ્તાની સમર્થકોની હરકતો જોવા મળી રહી છે. બીજી તરફ અમૃતપાલ સિંહ સામે થઈ રહેલી કાર્યવાહીથી ભારતમાં ખાલિસ્તાની સમર્થકો પર સુરક્ષા એજન્સી તમામ રીતે નજર બનાવી રહ્યું છે. આ વચ્ચે યુકેમાં ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે રવિવારે (19 માર્ચ) ભારતીય હાઈ કમિશનની બહાર અલગતાવાદી નેતા અમૃતપાલના ધ્વજ અને પોસ્ટરો સાથે વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા.
પોલીસની સામે ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરતાં ખાલિસ્તાન સમર્થકોના હંગામાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુકેમાં અમૃતપાલ સિંહની તસવીર સાથેના પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે મુક્ત અમૃતપાલ સિંહ, અમને ન્યાય જોઈએ છે, અમે અમૃતપાલ સિંહ સાથે ઊભા છીએ.
વીડિયોમાં એક વ્યક્તિ ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યો છે. વીડિયોમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ઉતારતો જોવા મળી રહ્યો છે. જોકે હજી સુધી વીડિયો ક્યાંનો છે તેની માહિતી મળી રહી નથી. ખાલિસ્તાની સમર્થકોના પ્રદર્શનને રોકવા માટે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ આવવા છતાં તેમના પર કોઈ અસર થઈ ન હતી. પોલીસની સામે સતત તેઓ ‘ભારત સરકાર શરમ કરો, શરમ કરો’ના નારા લગાવતા રહ્યા છે.
લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ બાદ ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે પણ ટ્વીટ કરીને ઘટનાની નિંદા કરી હતી. કેટલાક અહેવાલો અનુસાર, વિદેશ મંત્રાલયે પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનના એક વરિષ્ઠ રાજદ્વારીને બોલાવ્યા છે. જેના કારણે બંને દેશોના હાઇ કમિશ્નરો પણ હરકતમાં આવ્યા છે.
આ પણ વાંચો : અમૃતપાલ સિંહને ડામવાની શરૂઆત અમિત શાહ અને ભગવત માનની બેઠકથી જ થઈ હતી, જાણો શું હતી યોજના
પંજાબમાં આ અઠવાડિયે રવિવાર (19 માર્ચ) સુધી અમૃતપાલના કુલ 112 સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે, જે તમામને અમૃતપાલ સિંહના કટ્ટર માનવામાં આવે છે. જોકે, અત્યારે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ ફરાર છે. અગાઉ, એક ખાલિસ્તાન સમર્થકની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે તલવારો અને બંદૂકો સાથે ખાલિસ્તાન સમર્થકો પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા. આ અથડામણમાં પંજાબ પોલીસના છ અધિકારીઓ ઘાયલ થયા હતા.