અમૃતસરથી નવી દિલ્હી જતી શતાબ્દી એક્સપ્રેસને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ, પોલીસને મળી હતી ધમકી
પંજાબના લુધિયાણામાં ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે સવારે અમૃતસરથી નવી દિલ્હી જતી શતાબ્દી એક્સપ્રેસ (12014)ને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. બિયાસ નજીક નદીના બ્રિજ નંબર 102 પર બદમાશોએ રેલવે ટ્રેકની 10 થી 15 પેન્ડ્રોલ ક્લિપ્સ ખોલી હતી. નજીકમાં ખાલિસ્તાની ઝંડો ફરકાવ્યો હતો. તાત્કાલિક કાર્યવાહી કરીને રેલવેના એન્જિનિયરિંગ વિભાગની ટીમે ટ્રેકનું સમારકામ કર્યું હતું. જે બાદ શતાબ્દી એક્સપ્રેસને અમૃતસર સ્ટેશનથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. જીઆરપી સૂત્રોએ જણાવ્યું કે કેનેડા નંબર પરથી કોલ આવ્યો હતો. તપાસ ચાલુ છે.
શું ધમકી મળી હતી પોલીસને ?
શનિવારે સવારે લગભગ 4.90 વાગ્યે જીઆરપીના કંટ્રોલ રૂમને ફોન આવ્યો હતો. પોતાને શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો સાથી ગણાવતા તેણે કહ્યું કે અમૃતસર-બિયાસ વિભાગમાં ટ્રેકની પેન્ડ્રોલ ક્લિપ્સ ખોલવામાં આવી છે. શતાબ્દી એક્સપ્રેસ આ ટ્રેક પરથી પસાર થવાની છે. સમય ઓછો છે. જો તમે કરી શકો તો ટ્રેન રોકો. ધમકીભર્યા કોલથી જીઆરપી, આરપીએફ અને ગુપ્તચર વિભાગ સહિત રાજ્યની સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જે સમયે ફોન આવ્યો તે સમયે દિલ્હી જતી શતાબ્દી એક્સપ્રેસ (12014) અમૃતસર સ્ટેશન પર જવા માટે તૈયાર હતી.
ટ્રેન સ્ટેશન ઉપર જ રોકી દેવાઈ હતી
સાવચેતીના ભાગરૂપે ટ્રેનને અમૃતસર સ્ટેશન પર જ રોકી દેવામાં આવી હતી. આ પછી જીઆરપી, આરપીએફ અને એન્જિનિયરિંગ વિભાગે અમૃતસર-બિયાસ સેક્શનમાં ટ્રેકનું ચેકિંગ શરૂ કર્યું. અમૃતસરથી જલંધર, લુધિયાણા, રાજપુરા અને અંબાલા સુધીના રેલવે ટ્રેક પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન બિયાસ નજીક કિલોમીટર નંબર 490/11 નજીક નદીના બ્રિજ નંબર 102 પર 10 થી 15 પેન્ડ્રોલ ક્લિપ્સ ખુલ્લી મળી આવી હતી. રેલવેની ટીમે તુરંત કાર્યવાહી કરીને ટ્રેકને ઠીક કર્યો હતો.
ટ્રેન કડક સુરક્ષા હેઠળ પસાર થઈ
ધમકીભર્યા કોલ બાદ શનિવારે રાજ્યભરમાં રેલવે ટ્રેક અને ટ્રેનોની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. અમૃતસર-દિલ્હી રેલ્વે ટ્રેક પર સંવેદનશીલ સ્થળોએ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. શતાબ્દી એક્સપ્રેસ સહિત તમામ હાઇસ્પીડ ટ્રેનોને કડક પોલીસ બંદોબસ્ત હેઠળ પસાર કરવામાં આવી હતી. ટ્રેકના દરેક 2 કિલોમીટરે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. મોડી સાંજ સુધી ટ્રેનની અંદર અને રેલ્વે ટ્રેક પર પોલીસ પેટ્રોલિંગ ચાલુ હતું.