ગુજરાતહેલ્થ

H3N2 સામે રક્ષણ મેળવવા માસ્ક ફરજિયાત કરવામાં આવશે ? આરોગ્ય મંત્રીએ આપી પ્રતિક્રિયા

કોરોના મહામારીના પડઘા શાંત નથી થયા ત્યારે H3N2 વાઈરસ સામે આવી ગયો છે. ગુજરાતમાં  H3N2 ફ્લૂના કેસો જોવા મળી રહ્યા છે ત્યારે આ નવા વેરિયન્ટને લઇને લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. વિધાનસભામાં આ અંગે થયેલી ચર્ચામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે H3N2ના દર્દીઓ માટે માસ્ક પહેરવું ફરજિયાત નથી પરંતુ તેઓ માસ્ક પહેરે તેવી સલાહ છે જેથી અન્યને ચેપ ન લાગે. વિધાનસભામાં H3N2 ફ્લૂની બીમારી અંગે નિયમ 116 મુજબ ચર્ચા થઇ હતી. જે દરમિયાન ભાજપના મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો હતો કે આ ફ્લૂને કારણે માસ્ક, સેનિટાઇઝેશન જેવી વાતો થઇ રહી છે.

સરકારે માસ્ક ફરજિયાત અંગેની કોઇ ગાઇડલાઇન બહાર પાડી છે? આ પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આ ફ્લૂના દર્દી માટે માસ્ક ફરજિયાત નથી પણ દર્દીઓએ જાતે જાગૃતિ દાખવીને પોતાના પરિવાર અને આસપાસના લોકોની સલામતિ માટે માસ્ક પહેરવું જોઇએ તેવી સલાહ છે. આવા દર્દીઓ જાતે આઇસોલેટ થાય, હાથ મિલાવવાને બદલે નમસ્કાર કરે, ભીડભાડવાળી જગ્યાએ જાય નહીં તે હિતાવહ છે. વધુમાં આરોગ્યમંત્રીએ કહ્યું કે, સામાન્ય રીતે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં સિવિયર રેસ્પિરેટરી સિન્ડ્રોમ જેવા કેસોમાં વધારો થતો હોય છે.

આ પણ વાંચો : સીઝનલ ફ્લુ H3N2 કેમ આ વર્ષે ઘાતક બન્યો? શું કહે છે નિષ્ણાતો

OPDમાં 10થી 15 ટકાનો વધારો

H3N2ના લીધે બધી જ હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. રાજ્યની હોસ્પિટલોમાં OPDની સંખ્યામાં 10થી 15 ટકાનો વધારો જોવા મળ્યો છે જ્યારે IPD દર્દીઓમાં 3થી 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં સિઝનલ ફ્લૂના 83 કેસ નોંધાયા છે સાથે જ એક મૃત્યુ પણ નોંધાયું છે. જેમાં 80 H1N1 અને 2 H3N2ના કેસો નોંધાયા છે. રાજ્યમાં H3N2થી એકપણ મૃત્યુ થયું નથી.

H3N2 અંગે રાજકોટ એઇમ્સના ડિરેક્ટરે આવું કહ્યું

H3N2થી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે પણ ગુજરાતમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ અને ગળામાં બળતરા થાય તેવાં લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે રાજકોટ એઇમ્સના ડિરેક્ટર સી.ડી.એસ.કટોચે મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, H3N2 કોઇ ગંભીર વાઈરસ નથી સામાન્ય ફ્લૂ જેવો છે તેનાથી ડરવાની જરૂર નથી માત્ર સાવચેત રહેવું જરૂરી છે.

આ પણ વાંચો : સાચવજો ! રાજ્યમાં H3N2‌ વાયરસથી મોત

ડરો નહી, સાવચેતી રાખો

H3N2 વાઈરસે સમગ્ર ભારતમાં પોતાની જાળ ફેલાવી દીધી છે. કોરોના મહામારીના પડઘા શાંત નથી થયા ત્યારે હવે ગુજરાતમાં કોરોના બાદ H3N2 નામના નવા વાઈરસની શરૂઆત થવા પામી છે. આ બધા વચ્ચે રાજકોટ એઇમ્સના ડિરેક્ટરે સી.ડી.એસ.કટોચે મહત્ત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે આ વાઈરસ પણ અન્ય વાઈરસની જેમ સામાન્ય વાઈરસ જ છે. લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. કોરોના સમયે જેવી રીતે સાવચેતી રાખવામાં આવતી હતી તેવી જ સાવચેતી લોકોએ રાખવી પડશે, પરંતુ વાઇરસથી ડરવાની જરૂર નથી.

આ પણ વાંચો : ઈન્ફલ્યુએન્ઝા H3N2 વાઈરસ બચવા માટે કરો આ ઘરેલું ઉપાયો

સ્વાઇન ફ્લૂથી મ્યુટેટ થયેલો H3N2 વાઈરસ

H3N2 સ્વાઇન ફ્લૂથી મ્યુટેટ થયેલો વાયરસ છે આ અંગે રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચે વધુમાં જણાવ્યું કે, H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂથી મ્યુટેટ થયેલા H3N2 વાઈરસ. આ વાઈરસથી ગભરાવવાની કોઈ જરૂર નથી. આ ફ્લૂના કારણે દર્દીઓ 3-4 સપ્તાહ સુધી શરદી-ઉધરસની બીમારીઓથી પીડાતા હોય છે. આવા સંજોગોમાં ફરી કોવિડ ગાઇડ લાઇનના નિયમોનું પાલન અને સાવચેતી જ બધા લોકોને વાઈરસના બમણા એટેકથી બચાવી શકશે.

Back to top button