પાલનપુર : ડીસાની ભદ્રામલી શાળાના 200છાત્રો એ ચા, સોપારી અને મોબાઈલનો ત્યાગ કર્યો
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના જૂના નેસડા ગામે તાજેતરમાં ચોમાસુ પૂર્ણ કરીને વિવિધ ગામોમાં વિહાર કરતાં જૈનમુનિ એ શાળાઓમાં અભ્યાસ કરતા છાત્રોને વ્યસનથી મુક્ત કરાવવાનું બીડુ ઉઠાવ્યું છે. તેઓના શાળાઓમાં યોજાતા પ્રવચનને લઈ હજારો છાત્રો વ્યસન મુક્તિના સંકલ્પ કરી રહ્યા છે. જેમાં ડીસા તાલુકાના ભદ્રામલી ગામની શાળાના 200 છાત્રોએ ચા, સોપારી અને મોબાઈલ નો સંપૂર્ણ ત્યાગ કરવાનો સંકલ્પ લીધો છે.
બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવાનો ભગીરથ પ્રયાસ કરી રહેલા આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના પૂજ્ય ગણીવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની પધરામણી ડીસા તાલુકાના ભદ્રામલી ગામમાં થઈ હતી. જ્યાં ગ્રામજનો દ્વારા ગુરુ ભગવંતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બે દિવસથી ભદ્રામલી ગામમાં જાણે હર્ષનો દરિયો હિલોળે ચડ્યો હોય તેવું લાગી રહ્યું હતું. ગામની 11 થી વધુ દીકરીઓએ માથે બેડા લઈને સામૈયું કર્યું હતું. ત્યારબાદ ગામના શ્રી શંકર ભગવાનના મંદિરે ગુરુ મહારાજનું પ્રવચન યોજાયું હતું.
મુનિરાજશ્રી રાજરક્ષિત વિજયજી મહારાજ સાહેબના પ્રભાવક પ્રવચનના પગલે નિર્ણય
ગુરુ મહારાજે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, સમાજમાં ચાલતા કુરિવાજો અને વ્યસનનોથી આવનારી પેઢીઓને કેટલું મોટું નુકસાન થશે તેની સમજણ આપી હતી. અને કુરિવાજો, વ્યસનોને તિલાંજલી આપવા હાકલ કરી હતી. જેના પગલે ગ્રામજનો એ પણ તૈયારી બતાવીને ઠરાવ પત્ર પર સહીઓ કરી અને ગુરુ મહારાજને સહી વાળો ઠરાવ અર્પણ કર્યો હતો. જ્યારે ભદ્રામલી પ્રાથમિક શાળામાં ભવ્ય માનવ કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. અને સંસ્કાર શાળાનો શુભારંભ કરાયો હતો.
શાળાના 300 બાળકોએ ચા, સોપારીનો સંપૂર્ણ ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો હતો. જ્યારે સરકારી માધ્યમિક શાળામાં 200 છાત્રો એ ચા, સોપારી અને મોબાઈલ નો સંપૂર્ણ ત્યાગ કર્યો છે. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભદ્રામલી ગામના સરપંચ જયંતિસિંહ સોલંકી સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો :તો શું ગુજરાતમાં રિલિઝ થશે ‘પઠાણ’ ફિલ્મ ? રાજ્ય સરકાર અને મલ્ટીપ્લેક્સ એસોશિયેશન વચ્ચે થઈ બેઠક