અમદાવાદગુજરાત

અમદાવાદમાં પેકેટ પર છાપેલી MRPથી વધુ કિંમત લેનારા 99 વેપારીઓ દંડાયા

Text To Speech

ગાંધીનગર, 21 ફેબ્રુઆરી 2024, માર્કેટમાં આપણને ઘણીવાર MRP કરતાં વધુ કિંમત લેતા વેપારીઓનો અનુભવ થાય છે. હવે રાજ્ય સરકારે બજારમાં મળતાં વિવિધ ચીજવસ્તુઓના પેકેટો પર છપાયેલી કિંમત કરતા વધુ નાણા પડાવનારા વેપારીઓ સામે લાલ આંખ કરી છે. આવા વેપારીઓ સામે નિયમો મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેમ સરકારે વિધાનસભામાં જણાવ્યું છે.

વધુ કિંમત વસૂલાતી હોય તેવા એકમો સામે કડક કાર્યવાહી
વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં તોલમાપ તંત્ર દ્વારા જેટલા વ્યાપારી એકમોએ પેકેટ પર છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલાતી હોય તેવા તમામ એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તોલમાપ તંત્ર દ્વારા તા. 31-12-2023ની સ્થિતીએ કુલ 99 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં વર્ષ 2022માં 63 તથા વર્ષ 2023માં 36 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે

99 વ્યાપારી એકમો સામે 2.62 લાખ માંડવાળ ફી વસૂલાઈ
વિધાનસભા ગૃહમાં મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, આ 99 વ્યાપારી એકમો સામે છેલ્લા 2 વર્ષમાં કુલ રૂ.2,62,000 માંડવાળ ફી વસુલવામાં આવી છે. જેમાં વર્ષ 2022માં રૂ.1,49,000 જ્યારે વર્ષ 2023માં રૂ.1,13,000 જેટલી માંડવાળ ફી વસુલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃભાવનગરમાં GST કૌભાંડમાં 20 લોકો સામે GUJCTOC હેઠળ ગુનો દાખલ

Back to top button