મોરબી બ્રિજ દુર્ઘટનામાં 9 લોકોની અટકાયત, FSL ની ટીમ ઘટનાસ્થળે પહોંચી


મોરબી ઝુલતો બ્રિજ તૂટવાની ઘટનામાં હવે પોલીસ અને તપાસ અધિકારીઓની ટીમ એક્શનમાં આવી ગઈ છે. જેમાં એક તરફ રાહત અને બચાવનું કામ ચાલી રહ્યું છે ત્યારે પોલીસે મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોની પુછપરછ કરી છે તેમજ આ ઝુલતા પુલની ટિકિટ આપનાર વ્યક્તિઓની પણ અટકાયત કરવામાં આવી રહી છે.
આ તરફ સૌથી વધુ ચર્ચામાં આવેલા અને જેના સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તેવા ઓરેવાના મેનેજર અને મેન્ટેન્સ એન્જિ. સામે ફરિયાદ દાખલ થઈ છે. તેમજ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીની હાજરીમાં ઝૂલતો બ્રિજ દુર્ઘટનામાં FSL ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ ઘટનામાં સિટી-બી ડિવિઝન PI પી.એ દેકાવાડીયા ફરિયાદી બન્યા છે અને તપાસ આગળ વધારી છે.
આ પણ વાંચો : મોરબીમાં બ્રિજ દુર્ઘટના બાદ રાજકારણ ગરમાયું, કોંગ્રેસે કહ્યું- આ માનવસર્જિત દુર્ઘટના છે, ભાજપ સરકાર દોષિત

બ્રિજના ટેક્નિકલ પાસાઓ અંગે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે અને દુર્ઘટના અંગેનો વધુ અભ્યાસ પણ શરૂ કરવામાં આવ્યો છે. તો આ સાથે જ જવાબદાર લોકો સામે સદોષ માનવ વધની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદમાં ગુનેગારો કોણ છે તે અંગે કોઈ ફોડ પાડ્યો નહોતો. દુર્ઘટનામાં કલમ 304, 308 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદ પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થયા બાદ આગળ અન્ય દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. હાઈ પાવર કમિટીની ટીમ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે અને તેમાં પણ જલ્દીથી જલ્દી રિપોર્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : મોરબીના ઝુલતા બ્રિજની પરવાનગી આપી કોણે, પુલ તુટવાનુ ચોંકાવનારું કારણ સામે આવ્યું