વર્લ્ડ

71 ચીની સૈન્ય વિમાન અને 9 જહાજો તાઈવાન સરહદની આસપાસ દેખાયા : વિવાદ વકર્યો !

  • 45 વિમાનો પણ તાઈવાનની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા
  • ચીનના સૈન્ય વિમાનો અને જહાજો પર સતત નજર
  • ચીન તાઈવાનને પોતાનો પ્રાંત માને છે

તાઈવાનના રાષ્ટ્રપતિની અમેરિકન મુલાકાતને કારણે ચીન અને તાઈવાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. તાઈવાનના મીડિયાનો દાવો છે કે શનિવારે 71 ચીની સૈન્ય વિમાન અને 9 જહાજો તાઈવાન સરહદની આસપાસ દેખાયા છે. તાઈવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે 45 વિમાનો પણ તાઈવાનની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા.

ચીને આક્રમક વલણ અપનાવ્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાઈવાનની સરહદની આસપાસ તાઈવાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા જે ચીની વિમાનોને ટ્રેક કરવામાં આવ્યા છે તેમાં ચીનના યુદ્ધ વિમાન J-10, J-11 અને J-16 સામેલ છે. આ સિવાય ચીનના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, બોમ્બર એરક્રાફ્ટ અને વોર્નિંગ એરક્રાફ્ટ પણ સામેલ હતા. તાઈવાન દ્વારા ચીનના સૈન્ય વિમાનો અને જહાજો પર સતત નજર રાખવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ચીની સેનાએ ત્રણ દિવસ સુધી તાઈવાનની આસપાસ દાવપેચ ચલાવવાની જાહેરાત કરી છે. ચીન દ્વારા આ જાહેરાત તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેનની યુએસ મુલાકાત અને ત્યાં યુએસ લોઅર હાઉસના સ્પીકર સાથે મુલાકાત બાદ કરવામાં આવી છે.

તાઈવાનને લઈને શું છે વિવાદ

તાઇવાન એક ટાપુ દેશ છે અને ચીનના દક્ષિણપૂર્વ કિનારે લગભગ 100 માઇલ દૂર સ્થિત છે. ચીન તાઈવાનને પોતાનો પ્રાંત માને છે. આ જ કારણ છે કે ચીન અન્ય કોઈપણ દેશો સાથે તાઈવાનના સંબંધોને લઈને સહજ નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે કે તાઈવાનને ચીન સાથે એકીકૃત કરવામાં આવશે. ત્યારે તાઇવાન પોતાને એક સ્વતંત્ર રાષ્ટ્ર માને છે, જેનું પોતાનું બંધારણ અને ચૂંટાયેલી સરકાર છે.

તાઇવાન વિશ્વ માટે શા માટે મહત્વપૂર્ણ છે?

હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્ર પર પ્રભુત્વ મેળવવા માટે તાઇવાનનું ભૌગોલિક સ્થાન પણ ખૂબ મહત્વનું છે. આ જ કારણ છે કે અમેરિકા ઈચ્છે છે કે તાઈવાન સ્વતંત્ર રહે, જેથી આ ક્ષેત્રમાં ચીનનું વર્ચસ્વ સ્થાપિત ન થઈ શકે. ઉપરાંત, તાઇવાન વૈશ્વિક અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. આજે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો યુગ છે અને મોબાઈલ ફોન, લેપટોપ, ઘડિયાળો અને ગેમિંગ ડિવાઈસ જેવા આ ગેજેટ્સમાં વપરાતી મોટાભાગની ચિપ્સનું ઉત્પાદન તાઈવાનમાં થાય છે. એક મોટી કંપની વિશ્વના કુલ ચિપ ઉત્પાદનમાંથી અડધોઅડધ ઉત્પાદન કરે છે અને આ કંપની તાઈવાનની છે. નિષ્ણાંતોનું માનવું છે કે જો ચીન તાઈવાન પર કબજો જમાવી લેશે તો દુનિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ચિપ ઈન્ડસ્ટ્રી પર પણ ચીનનું વર્ચસ્વ સ્થાપિત થઈ જશે. અમેરિકા ચોક્કસપણે આ પસંદ કરશે નહીં. આ જ કારણ છે કે અમેરિકા સતત તાઈવાન સાથે પોતાના સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ચીન તેને દબાવીને તાઈવાનને સતત ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Back to top button