વર્લ્ડ

રશિયામાં રહેતા અમેરિકનોને દેશ છોડી દેવા આદેશ, પત્રકારની ધરપકડ બાદ USનો નિર્દેશ

  • વોલ સ્ટ્રીટ જર્નલના જર્નલિસ્ટ ગેર્શકોવિચની કરાઈ ધરપકડ
  • જાસૂસીનો આરોપસર આંતરરાષ્ટ્રીય પત્રકાર સામે કરાઈ કાર્યવાહી
  • વોલ સ્ટ્રીટ જર્નલે રશિયાના તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે રશિયામાં રહેતા તેના તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહ્યું છે. જ્યારથી રશિયામાં એક અમેરિકન નાગરિકની અટકાયત કરવામાં આવી છે, ત્યારથી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ચિંતિત છે અને તેના તરફથી આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

જાસૂસીના આરોપો, મોટો હોબાળો

મળતી માહિતી તાજેતરમાં જ એક અમેરિકન પત્રકારની રશિયામાં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે પત્રકાર વોલ સ્ટ્રીટ જર્નલ માટે કામ કરે છે. રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2022 માં યુક્રેનમાં રશિયન આક્રમણની શરૂઆત પછી રશિયામાં કોઈપણ આંતરરાષ્ટ્રીય પત્રકાર સામે આ પ્રકારની પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં, શીત યુદ્ધ પછીથી કોઈપણ યુએસ સમાચાર આઉટલેટ પર આવી જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો નથી.

રશિયા જવાની તૈયારી કરતા લોકોને રોકી દેવાયા

આ કારણે હવે જ્યારે રશિયામાં આવી કાર્યવાહી થઈ છે ત્યારે અમેરિકા તેનાથી ચિંતિત છે અને તેણે રશિયાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. હવે રશિયાને ચેતવણી આપવામાં આવી છે, પરંતુ તેના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તમામ અમેરિકન નાગરિકોને રશિયા છોડી દેવા માટે કહ્યું છે. બીજી તરફ જે લોકો રશિયા જવાની તૈયારી કરી રહ્યા છે તેમને પણ ટ્રિપ કેન્સલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

રશિયાની દલીલ શું છે?

પત્રકાર ગેર્શકોવિચ બાસ્કેટબોલ સ્ટાર બ્રિટ્ટેની ગ્રિનર પછી રશિયા દ્વારા ધરપકડ કરાયેલા સૌથી હાઈ-પ્રોફાઈલ અમેરિકન નાગરિક છે. ગ્રિનરને રાજધાની મોસ્કોમાં કેનાબીસ તેલ સાથે પકડવામાં આવ્યો હતો. રશિયાએ કેદીઓના વિનિમય કરાર હેઠળ ગ્રિનરને મુક્ત કર્યો હતો. રશિયન સુરક્ષા એજન્સી એફએસબીએ કહ્યું છે કે અમેરિકન નાગરિક ગેર્શકોવિચ ઇવાનની ગેરકાયદેસર ગતિવિધિઓને કારણે ધરપકડ કરવામાં આવી છે. ગેર્શકોવિચ પર જાસૂસીની શંકા છે. એ અલગ વાત છે કે વોલ સ્ટ્રીટ જર્નલે આ તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા છે.

અમેરિકાએ પણ સ્પષ્ટ જવાબ આપ્યો

અત્યારે તો અમેરિકાએ પણ સ્પષ્ટ કહી દીધું છે કે તે રશિયામાં મીડિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોથી નારાજ છે અને તેની સ્વતંત્રતા માટે લડતો રહેશે. બીજી તરફ રશિયાએ સુરક્ષાના નામે અનેક લોકોની ધરપકડ કરી છે. રશિયામાં ઘણા લોકોના શંકાસ્પદ મૃત્યુને લઈને વિવાદ ચાલુ છે.

Back to top button