ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એપાર્ટમેન્ટના ગોડાઉનમાં ચાલતા કાર રિપેરિંગ ગેરેજમાં આગ ફાટી નીકળતા 9નાં મૃત્યુ

Text To Speech

હૈદરાબાદ: નામપલ્લી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ગોડાઉનમાં લાગેલી આગમાં નવ લોકોનાં કરુણ મૃત્યુ થયાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, નામપલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બડાર ઘાટ સ્થિત ચાર માળના એપાર્ટમેન્ટની નીચે આવેલા કાર રિપેરિંગ ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ એટલી ઝડપથી આખા એપાર્ટમેન્ટમાં ફેલાઈ ગઈ હતી કે લોકો તેની ચપેટમાં આવી ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આગમાં ફસાયેલા 9 (નવ) લોકો મૃત્યુ પામ્યાં છે, ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે ઘાયલોને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. ઘટનાની માહિતી મળતાં ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે.

આગમાં ફસાયેલી એક નાની બાળકી અને મહિલાનું દિલધડક રેસ્ક્યૂ કરાયું છે. આગ એટલી ભયાનક હતી કે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ જોઈ શકાતા હતા. આજુબાજુમાં બીજા પણ ઘણાં મકાનો છે પરંતુ હાલમાં નજીકના મકાનોને કોઈ નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી. ડીજી નાગી રેડ્ડીએ કહ્યું, બિલ્ડીંગમાં કેમિકલનો સંગ્રહ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યો હોઈ શકે છે. જેના કારણે આગની ઘટના બનવાની શક્યતા છે.

 શરૂઆતના તબક્કે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. હાલ પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે, સોમવારે વહેલી સવારે તેલંગાણાના હૈદરાબાદના શાલીબંદામાં એક ઇલેક્ટ્રોનિક શોરૂમમાં પણ આગ લાગી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના થઈ ન હતી. 30 ફાયર ફાયટરો સાથે છ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.

આ પણ વાંચો: ચેન્નાઈના માયલાપુર સાંઈ બાબા મંદિરની છત પર આગ લાગી, આગથી અફરાતફરી

Back to top button