કચ્છની ગળપાદર જેલમાં દારૂની મહેફીલ મામલે 5 પોલીસકર્મીઓ ફરજ મોકૂફ, જુઓ દરોડાનો વીડિયો
કચ્છ, 21 જુલાઈ : કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં ગઈકાલે રાત્રે પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો. જેમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી. આ દરોડામાં 6 કેદીઓ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન આ પ્રકરણમાં 5 પોલીસકર્મીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. જેના પગલે પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
શું છે આખી ઘટના ?
મળતી માહિતી મુજબ, પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ, કચ્છ-ભૂજની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક, સાગર બાગમાર, પૂર્વ-કચ્છ, ગાંધીધામની આગેવાનીમાં LCB, SOG, ગાંધીધામ એ ડિવિઝન, ગાંધીધામ બી ડિવિઝન, આદીપુર પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી ગળપાદર જિલ્લા જેલ ખાતે રાત્રિ દરમ્યાન અલગ-અલગ બેરેકોવાઇઝ સરપ્રાઇઝ તપાસ ચેકીંગ હાથ ધરાયું હતું. આ સરપ્રાઈઝ ચેકિંગમાં બેરેકોમાંથી આરોપીઓ કેફીપીણું પીધેલી હાલતમાં તેમજ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં મળી આવ્યા હતા તેમજ તેમની પાસેથી રોકડ રકમ 50 હજાર પણ મળી આવી હતી. આ ઉપરાંત જેલની હાઇ સિક્યુરીટી બેરેકની છત ઉપરથી 500ના દરની નોટ નંગ-100, કુલ રૂ.50,000 તથા ચાર્જર નંગ-1 કિંમત રૂપિયા 100 મળી આવ્યા હતા. જે તમામ મુદ્દામાલ કબજે લઇ હાલ આરોપીઓ વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડામાં થોડા સમય પહેલાં લેડી કેન્સ્ટેબલ સાથે ઝડપાયેલો બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પણ આજ જેલમાં હતો, જે પીધેલી હાલતમાં મળી આવ્યો હતો.
દરોડાના લાઈવ દ્રશ્યોનો વીડિયો થયો વાયરલ
કચ્છની ગળપાદર જેલમાં પોલીસની સરપ્રાઈઝ વિઝીટ
જેલમાંથી કુખ્યાત અને હિસ્ટ્રી સિટર આરોપીઓ પાસેથી મોબાઇલ મળી આવ્યા તેમજ જેલમાંથી દારૂની બોટલ પણ મળી આવી#Kutch #Galpadarjail #GujaratPolice #humdekhengenews pic.twitter.com/BcyB4aIj26
— Hum Dekhenge News (@humdekhengenews) July 21, 2024
દરોડા દરમિયાન કોણ ઝડપાયું ? અને શું મળી આવ્યું ?
આ દરોડા દરમિયાન બેરેકમાંથી પોલીસ દરોડા દરમિયાન મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ (ઉં.વ.28, રહે.જૂની સુંદરપુરી, ગાંધીધામ), રોહિત ગોવિંદભાઈ ગરવા (મારાજ) (ઉં.વ.30 રહે.કાર્ગો ઝુપડા, બાપા સીતારામનગર, ગાંધીધામ), શિવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા (ઉં.વ.32 રહે.નવી મોટી ચીરઈ તા.ભચાઉ), ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી (ઉં.વ.27 રહે.મ.નં.106 મહેશ્વરીનગર, ગાંધીધામ), યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.30 રહે.જૂની મોટી ચીરઈ, તા.ગાંધીધામ), રોહિતસંગ ઉર્ફે સોનુ રામપ્રસાદસંગ ઠાકુર (ઉં.વ.27 રહે.દર્શનગર સોસાયટી, અયોધ્યા, જિ.અયોધ્યા ઉ.પ્ર) આ તમામ (હાલ રહે. પુરૂષ યાર્ડ, બેરેક નં.1, ગળપાદર જેલ, ગાંધીધામ)ને દારૂ પીધેલી હાલતમાં પકડ્યા હતા. આ છ કેદીઓ વિરૂદ્ધ કેફી પીણું પીવા સબબ પ્રોહી કલમ-66(1)(B) મુજબ અલગ-અલગ ગુનાઓ દાખલ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે એક પ્લાસ્ટીકની પાણીની બોટલ, ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ, કાળા કલરનો આઇફોન નંગ-1 કિંમત રૂપિયા 10,000, એન્ડ્રોઈડ ગેલેક્સી A05 મોબાઈલ ફોન નંગ-01 કિંમત રૂપિયા 5,000, 15 Pro MAX મોડેલનો આઇફોન નંગ-01 કિંમત રૂપિયા 75,000, સાદો કીપેડવાળો મોબાઇલ ફોન નંગ-01 કિંમત રૂપિયા 500, રોકડા રૂપિયા-50,000 મળી કુલ કિંમત રૂપિયા 1,49,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બુટલેગર યુવરાજસિંહ સહિત 4 સામે અલગ ગુનો નોંધાયો
ઉલ્લેખનીય છે કે, સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.30 રહે.જૂની મોટી ચીરઈ, તા.ગાંધીધામ), સુરજીત દેવીસિંગ પરદેશી (ઉં.વ.39 રહે.મુંઢવા, કેશવનગર, તા.મુંઢવા જિ.પુના, મહારાષ્ટ્ર), રજાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા (ઉં.વ.48 રહે. પંચવટી, વ્યુ મિલન હોટલની પાછળ, જામનગર), હીતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા કરણસિંહ ઝાલા (ઉં.વ.42 રહે.શકત શનાળા, તા.મોરબી) પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ ચારેય કેદીઓ વિરૂદ્ધ પ્રીઝનર એક્ટ કલમ- 42, 43, 45 મુજબ અલગ અલગ ગુન્હાઓ દાખલ કરાવવામાં આવ્યા છે.
કોણ-કોણ ફરજ મોકૂફ કરવામાં આવ્યું ?
મહત્વનું છે કે, આ સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગના કારણે કચ્છ પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. જેના પગલે પોલીસ વિભાગે પણ કડક કાર્યવાહી કરતા ગળપાદર જેલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ એલ.વી.પરમાર, સુબેદાર આર.એસ.દેવડા તેમજ હવાલદાર પીન્કેશ સી.પટેલ સિપાઈ રવિન્દ્રભાઇ ડી.મુળીયા અને શૈલેષભાઇ બી.ખેતરીયાને ફરજ મોકૂફ કરાયા હતા.