મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 44 વર્ષ પુરા થઇ ગયા છે, ત્યારે મચ્છુ ડેમ દુર્ઘટના જેણે પણ જોઈ છે તે આજે પણ તેને યાદ કરીને કંપી ઉઠે છે. અવિરત વરસાદ અને અન્ય જગ્યાએથી આવતા પાણીના કારણે મચ્છુ ડેમ તૂટી ગયો હતો, જેના કારણે સમગ્ર શહેરમાં થોડી જ વારમાં તબાહી મચી ગઈ હતી. આ ઇતિહાસની ભયાનક ઘટનાઓમાંની એક હતી. જેના કારણે રાતોરાત હજારો લોકોના મોત થયા હતા.
મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 44 વર્ષ પુરા
મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 44 વર્ષ પુરા થઇ ગયા છે. જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી તે ઘટનાને મોરબીવાસીઓ કદી ભૂલૂ નહી શકે,આજે આ ઘટનાને 44 વર્ષ વીતી ગયા હોવા છતા પણ હોનારતની આ તારીખ આવતા જૂની યાદો લોકોને તાજી થઇ જવાથી અનેક આંખોમાં ફરી પાછું હોનારત આવશે, અને જળ પ્રલયમાં સ્વજનોને ગુમાવનારા અનેક લોકોની આંખોના બાંધ પણ તૂટશે તે નિશ્ચિત છે.
વર્ષ 1979માં શું બન્યું હતું ?
11 ઓગસ્ટ, 1979ના રોજ ગુજરાતમાં એક સપ્તાહ સુધી મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું. આ પૂરના કારણે મચ્છુ ડેમ પણ ઓવરફ્લો થવાથી બચી શક્યો નથી. અને ડેમ ઓવરફ્લો થતા બે માઈલ લાંબો મચ્છુ ડેમ-II ફાટી ગયો હતો. ડેમ તૂટ્યાની 15 મિનિટમાં જ આખું શહેર પાણીથી ભરાઈ ગયું હતું. થોડી જ વારમાં ઘર, ઈમારતો અને દુકાનો પાણીની લપેટમાં આવી ગઈ. શહેરમાં અચાનક પાણી ઘુસી જવાથી લોકોને બચવાનો મોકો મળ્યો ન હતો. પાણીના જોરદાર પ્રવાહમાં મકાનો અને મકાનો ધરાશાયી થતા ગયા. મરછુ ડેમના પાણીના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટક્યા હતા. અને મોરબી તબાહ થઇ ગયું હતું. અને ઘણા લોકોને તો બચવાની તક મળી ન હતી.
અમેરિકાથી ફોન આવ્યા બાદ તંત્ર જાગ્યું
હાલના સમયમાં ભારતના કોઈપણ ખૂણે નાની મોટી દુર્ઘટના બંને તો ભારત સરકાર કે અન્ય વિભાગોને તાત્કાલિક જાણ થઈ જતી હોય છે. પરંતુ તે વખતે ભારત સરકારને મોરબી દુર્ઘટનાની કલાકો સુધી જાણ થઈ ન હતી. મોરબી હોનારતની અમેરિકાને ખબર પડતા તેઓએ દિલ્હી ફોન કરી જાણ કરી હતી કે,’ગુજરાતની મચ્છુ નદીનો ડેમ તૂટ્યો છે અને વિનાશ વેરી રહ્યો છે’જે બાદ તંત્ર જાગ્યું હતું. મહત્વનું છે કે તે વખતે ભારત સરકાર પાસે કોઈ સેટેલાઈટ કે માધ્યમ નહોતું કે તેઓને તાત્કાલિક કોઈપણ ઘટનાની જાણ થાય. પરંતુ અમેરિકાને સેટેલાઈટ દ્વારા મોરબી જળ હોનારતની માહિતી મળી હતી. ત્યાર બાદ તેઓએ તાત્કાલિક ભારતને સરકારને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા સરકાર દ્વારા અધિકારીઓની ટીમો મોરબી ખાતે મોકલી દેવામાં આવી હતી.
પૂરમાં 25,000 લોકોના મોતની આશંકા
ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મુજબ ડેમ ફાટવાની આ સૌથી ભયાનક દુર્ઘટના છે. આ દુર્ઘટનામાં મોતનો કોઈ અંતિમ આંકડો નથી પરંતુ તે પૂરમાં 25,000 લોકોના મોત થયા હોવાની આશંકા છે.
આ પણ વાંચો : નબીરા તથ્ય પટેલના બાપને જેલમાં જ રહેવું પડશે, કોર્ટે જામીન અરજી કરી રદ