રાજકોટમાં ‘જાગો લેઉવા પટેલો, ધાનાણીને સપોર્ટ કરો’ લખેલી પત્રિકા ફરતી કરનારા 4 ઝડપાયા

રાજકોટ, 3 એપ્રિલ 2024, લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મળતિયાઓ મારફત લેઉવા-કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ફેલાવતી પત્રિકા બહાર પાડી હોવાના આરોપ સાથે શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં ગઈકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને હાનિ પહોંચે તેવું લખાણ હોવાથી આવું વૈમનસ્ય ફેલાવતા જવાબદારોને ઝડપી પાડવા માગ કરવામાં આવી હતી. આ રજૂઆત કર્યાના ગણતરીની કલાકોમાં પોલીસ એક્શન મોડમાં આવી હતી અને લેઉવા પટેલ સમાજના ચાર યુવકોની અટકાયત કરાઈ હતી. જેને પગલે કોંગી આગેવાનો મોડીરાત્રે ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ પહોંચ્યા હતા.
ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
પ્રાપ્ત વિગત મુજબ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની આગેવાનીમાં પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના અમુક મળતિયાઓ દ્વારા લેઉવા-કડવા પટેલો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેવી પત્રિકા વાઇરલ કરવામાં આવી હોવાનો આરોપ લગાવાયો હતો. સમગ્ર મામલે પોલીસે કુલ 4 યુવકોને ઝડપી લીધા છે. વોર્ડ નં. 11ના ભાજપ પ્રમુખ મહેશ પીપળિયાની ફરિયાદના આધારે કેતનભાઈ તાળા, પ્રકાશભાઈ વેજપરા, દીપભાઈ ભંડેરી તેમજ વિપુલભાઈ તારપરા વિરુદ્ધ બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા તેમજ જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વેરઝેર કરાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પત્રિકામાં એવું શું લખવામાં આવ્યું છે?
આ વખતે રાજકોટની સીટ ઉપર આપણા લેઉવા પટેલના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી લડી રહ્યા છે તો શું આપણા ઉમેદવારને કડવા પટેલ સમાજ સપોર્ટ કરશે ખરા? ખાતરી છે કે, નહીં જ કરે. તો જાગો લેઉવા પટેલો અને પરેશભાઈ ધાનાણીને સપોર્ટ કરો.અત્યારે રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર છે તે સમાજના લોકો એવું અભિમાન કરે છે કે આપણે સામાજિક તેમજ રાજકીય રીતે સંગઠિત રહેવામાં તેનાથી 50 વર્ષ પાછળ છીએ. તો લેઉવા પટેલ સમાજની એકતા બતાવવાનો સમય આવી ગયો છે. જ્યારે લેઉવા પટેલ સમાજના મતની જરૂર હોય ત્યારે લેઉવા-કડવા એક છીએ તેવી વાતો કરતા આ લોકો ભૂતકાળમાં આપણને નાથદ્વારા સમાજમાં રૂમ પણ આપતા નહીં. બે દાયકા પછી રાજકોટ લોકસભા સીટ ઉપર લેઉવા પટેલ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે તો આપણને એક સુવર્ણ તક મળી છે કે, આ રાજકોટ લોકસભા સીટને ફરી પાછી લેઉવા પટેલની પરંપરાગત સીટ બનાવીએ.
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ શું કહ્યું?
આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે,રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાનું મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો હિન પ્રયાસ છે.મુળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખે પાસે નામ-ઠામ વગરની પત્રિકાઓ વહેંચાવી અને ખોડલધામ યુવા સમિતિના કાર્યકરોને ફસાવવાનું કોણ કરી રહ્યું છે ષડયંત્ર? ચૂંટણીમાં અવરોધ પેદા કરવા પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. પત્રિકા-પોસ્ટર-સીડીના નિષ્ણાંતો પકડાય જાય અને ભાજપાના અંદરો અંદરના કારનામા ખુલ્લા ન પડી જાય તે માટે ગમે તેને પકડીને કોંગ્રેસ પર દોષારોપણ કરવા માટે ભાજપાના ઈશારે પોલીસ તંત્ર કામગીરી કરી રહ્યું છે.
આ પણ વાંચોઃકોંગ્રેસના પૂર્વ MLAના બફાટનો વીડિયો વાયરલઃ ઇન્દ્રનીલે કહ્યું, ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઈ હતી