ગિનીમાં કચરાનો પહાડ ધરાશાયી, 30 લોકોનાં મોત

Guinea Garbage Dump Collapse: આફ્રિકન દેશ ગિનીમાં કચરાનો મોટો ઢગલો ધરાશાયી થતાં ભયાનક અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં અનેક ઝૂંપડીઓ કાટમાળ નીચે દબાઈ જતાં ઓછામાં ઓછા 30 લોકોનાં મોત થયા છે. ગિની સરકારના જણાવ્યા અનુસાર, રવિવારે વહેલી સવારે રાજધાની કોનાક્રીના સૌથી મોટા લેન્ડફિલ એટલે કે કચરા ડમ્પિંગ સાઇટ પર કચરાનો વિશાળ ઢગલો અચાનક ધસી પડ્યો હતો.
ભારે વરસાદ બાદ કચરાનો પહાડ ધસી પડ્યો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 2 વાગ્યે શરૂ થયેલા ભારે વરસાદને કારણે દાર એસ સલામ વિસ્તારમાં એકઠો થયેલો કચરો ખસવા લાગ્યો હતો. ત્યારબાદ લેન્ડસ્લાઇડ થતાં નજીક આવેલી અનેક ઝૂંપડીઓ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઘટના બાદ બચી ગયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણાવાયું છે, જ્યારે અનેક ઝૂંપડીઓ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે.
લોકોને સ્થળ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી
મિલિટરી એન્જિનિયરિંગ બટાલિયનના સેનિટેશન ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ બાલ્ડે મામાદુ બાઇલોના જણાવ્યા અનુસાર, કોનાક્રીના સૌથી મોટા ખુલ્લા કચરા ડમ્પને રવિવારે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અધિકારીઓએ અગાઉ જ લેન્ડફિલની આસપાસ રહેતા લોકોને વિસ્તાર ખાલી કરવાની નોટિસ આપી હતી. આ નોટિસ બાદ ઘણા લોકો સ્થળ છોડીને અન્યત્ર ચાલ્યા ગયા હતા. જોકે, દુર્ઘટના સમયે પણ કેટલાક પરિવારો ત્યાં રહેતા હતા.
બાકીના પરિવારોને અન્ય સ્થળે વસાવવામાં આવશે
કોનાક્રીમાં ઘટનાસ્થળે પહોંચેલા પ્રાદેશિક પ્રશાસન અને વિકેન્દ્રીકરણ મંત્રી ડીએનાબુ તુરેએ જણાવ્યું હતું કે સરકાર બાકી રહેલા પરિવારોને સુરક્ષિત સ્થળે વસાવવાની વ્યવસ્થા કરશે.
તેમણે કહ્યું કે અસરગ્રસ્ત પરિવારોને અન્ય સ્થળે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની ખાતરી કરવામાં આવશે.
મૃતકોની સંખ્યા વધવાની આશંકા
કચરાનો પહાડ ધરાશાયી થતાં અનેક લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે. તેથી મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. રેસ્ક્યૂ ટીમ દ્વારા કાટમાળ હટાવીને લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે.
અધિકારીઓએ લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવાની અપીલ કરી છે, કારણ કે કાટમાળ ખસવાનો હજુ પણ ભય છે.
આ પહેલાં ઈન્ડોનેશિયાના જાવા ટાપુમાં પણ લેન્ડસ્લાઇડની ઘટના બની હતી, જેમાં 21 લોકોનાં મોત થયા હતા.
આ પણ વાંચો : મુંબઈમાં ગણપતિ આગમન યાત્રા દરમિયાન બવાલ, પ્રતિમા પર ઈંડા ફેંકવાનો આરોપ











