વડોદરામાં બુટલેગર બેફામઃ ડિક્કીમાં દારૂ રાખી વેચતા 3 શખ્સો ઝડપાયા, મહિલા બુટલેગરની પણ ધરપકડ
વડોદરામાં દારૂ વેચનાર બુટલેગર્સને હવે જાણે પોલીસ કે કાયદાનો ભય રહ્યો નથી. કારણ કે એક જ દિવસમાં બે સ્થળો પરથી દારૂનો કારોબાર પકડાયો છે. શહેરના કિશનવાડીમાં સ્કૂટરની ડીકીમાં બિયર રાખીને વેચાણ કરતા ત્રણ આરોપીઓ તથા બરાનપુરામાં ઘરમાં વિદેશી દારૃ રાખનાર મહિલાને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે સમયે માહિતી મળી હતી કે,કિશનવાડી સુદામાપુરી પાસે ત્રણ વ્યક્તિઓ સ્કૂટર લઇને ઉભા છે.તેઓ સ્કૂટરની ડીકીમાં બિયરના ટીન રાખીને તેનું વેચાણ કરે છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા (૧) નિમેશ મૂળજીભાઇ પટેલ (રહે.આદિત્ય એવન્યુ, આજવા રોડ) (૨) સાહિલ વિક્રમભાઇ પટેલ (રહે.અરૃણોદય કોમ્પલેક્સ, દૂધેશ્વર પાસે, આજવારોડ) અને (૩) વિજય રમણભાઇ વસાવા (રહે.સુદામાપુરી, કિશનવાડી) હોવાનું જાણવા મળ્યું હતું કે,પોલીસે સ્કૂટરની ડીકીમાં તપાસ કરતા બિયરના ૧૨ ટીન મળી આવ્યા હતા.પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજી ઘટનામાં વાડી પોલીસને માહિતી મળી હતી કે,બરાનપુરા ચુનારાવાસમાં રહેતી મુન્નીબેન પોતાના ઘરે વિદેશી દારૃ લાવી છે.જેથી,પોલીસે ત્યાં જઇને તપાસ કરતા મુન્નીબેન ગોપાલભાઇ પરમાર (રહે.ચુનારાવાસ, બરાનપુરા) મળી આવી હતી.તેના મકાનના ધાબા પરથી વિદેશી દારૃની બોટલો મળી આવી હતી.દારૃ અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે,બરાનપુરામાં રહેતા રમેશ ઉર્ફે બાપુ બાબુભાઇ બારૈયા દારૃ વેચતો હોઇ તે અમારા ઘરમાં મૂકી જાય છે.પોલીસે દારૃની ૧૧ બોટલ કબજે કરી હતી.