એસટી નિગમમાં 2320 કંડકટર અને પાણી પુરવઠા વિભાગમાં 144 ઈજનેરોને નિમણૂક પત્રો એનાયત

- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા મંત્રી અને વાહનવ્યવહાર રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં નવા 2500 કર્મીઓને આવકાર્યા
ગાંધીનગર, 11 જુલાઈ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી.માં નવી નિમણૂક મેળવેલા ૨૩૨૦ કંડક્ટર કક્ષાના યુવાઓ અને પાણી પુરવઠા બોર્ડમાં નવનિયુક્ત વિવિધ સંવર્ગના ૧૪૪ અધિકારીઓને મહાત્મા મંદિરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવ યુવા માનવબળને ડેમોગ્રાફિક ડિવિડન્ડ ગણાવતા કહ્યું કે, આ યુવાશક્તિની સેવાઓથી વિકસિત ભારત @ ૨૦૪૭ માટે વિકસિત ગુજરાત @ ૨૦૪૭ના નિર્માણમાં નવી ગતિ આવશે. તેમણે ઉમેર્યું કે, એસ.ટી. સેવાઓ સામાન્યમાં સામાન્ય માનવીના જીવનને ગતિ આપે છે અને પાણી દરેક માનવીના જીવનનો આધાર છે આ બેય ક્ષેત્રો રાજ્યના વિકાસમાં ખૂબ મહત્વના છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યું છે. એક સમયે પાણીની અછતનો સામનો કરનારું ગુજરાત સુદ્રઢ જળ વ્યવસ્થાપન, વિશાળ વોટર ગ્રીડ અને નર્મદાના જળથી જળક્રાંતિ કરનારું રાજ્ય બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, ગામડાના કે શહેરના સૌના પરિવહન માટેની જીવાદોરી સમાન એસ.ટી.માં સેવારત થઈ રહેલા કંડક્ટર કક્ષાના ઉમેદવારો માટે પણ જન સેવાની મોટી ઈશ્વરીય તક આવી છે.

તેમણે વડાપ્રધાનશ્રીએ લોકોને સસ્તી, સારી, સુરક્ષિત અને ટેક્નોલોજી સાથેની પરિવહન સેવા આપવાના નિર્ધારથી એસ.ટી.માં જે કાયાપલટ કર્યો તેની વિશેષ ભૂમિકા આપી હતી. જન સેવાના આ કાર્યોમાં કર્મચારી યુનિયનોએ પણ સહયોગ આપીને એસ.ટી. સેવાઓ અવિરત રાખી છે. આજે નવી એ.સી. વોલ્વો બસ, સ્લીપર કોચ અને ઈલેક્ટ્રીક બસો રાજ્યના માર્ગો પર દોડી રહી છે તેમ તેમણે કહ્યું હતું.

એસ.ટી નિગમના કંડક્ટર કક્ષાના ૨૩૨૦ ઉમેદવાર અને પાણી પુરવઠા વિભાગના વિવિધ સંવર્ગોમાં નિમણૂક પામેલા ઉમેદવારોને શુભકામનાઓ પાઠવતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરીક્ષા લઈને ૨૩૨૦ ઉમેદવારોને એસ. ટી વિભાગમાં એમની કુશળતાથી નોકરી પ્રાપ્ત કરી એસ.ટી પરિવારમાં જોડાવા બદલ સૌ ઉમેદવારોને અભિનંદન પાઠવું છું. ગુજરાત એસ.ટી માત્ર એક પરિવહનની વ્યવસ્થા નથી, પરંતુ ગુજરાતના દરેક નાગરિકની લાઇફલાઇન છે, એસ.ટીની બસો અંતરિયાળ ગામડાંથી લઈને નગરો સુધી તમામ નાગરિકોને પરિવહનની સુવિધા આપે છે.

મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં એસ.ટીના અધિકારીઓના વિઝનથી, કર્મચારીઓના તાકાતથી નાગરિકોની સુવિધાઓમાં માત્ર ઉમેરો નહિ પરંતુ ગુજરાતમાં પરિવહન ક્ષેત્રે રેકોર્ડબ્રેક સેવા એસ.ટી નિગમ આપી રહ્યું છે. ગુજરાત એસ.ટી એ ગુજરાતનું ગૌરવ છે. એક વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું વિઝન છે કે, કોઈ પણ નાગરિક ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો કરે એવી તેમની નેમને ધ્યાને લઈને ૨૯૦૫ નવી બસો મુસાફરી માટે મૂકવામાં આવી છે.
સૌથી વધુ વોલ્વો બસોની સાથે સાથે ૨૭ નવા બસ સ્ટેશનો દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધામાં ઉમેરો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૩ નવા વર્ક સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા છે અને ૩૫ નવી પરિયોજનાના ખાતમુર્હુત કરવામાં આવ્યા છે. જેમાં ૨૦ બસ સ્ટેશન અને ૧૫ ડેપોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રોજના ૨૨ લાખ મુસાફરોથી આપણે ૨૫ મુસાફરો સુધી પહોચ્યા છે અને વર્ષ- ૨૦૨૭ પહેલા ગુજરાતના ૩૦ લાખ મુસાફરો એસ.ટીની મુસાફરી કરી શકે તે માટેની વ્યવસ્થા શરૂ કરવાની તૈયારીઓ એસ.ટી નિગમ કરી રહ્યું છે.
વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણાએ એસ.ટી.પરિવારમાં સામેલ થવા જઈ રહેલા નવા કંડક્ટર મિત્રોને આવકારીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. એસ.ટી. નિગમના એમ.ડી. એમ.નાગરાજને કાર્યક્રમમાં સહભાગી થવા બદલ સૌનો આભાર માન્યો હતો.












