બોપલમાં 2 રાઉન્ડ ફાયરિંગ, પાંચ આરોપીઓની ધરપકડ


ગુજરત પોલીસ એક તરફ સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે ત્યારે અમદાવાદમાં બોપલ વિસ્તારમાં 10 લોકોએ એક ખાનગી કાફેમાં તોડફોડ કરી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને આગ લગાડી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે સુરક્ષાની વાતો કરતી પોલીસને ગુંડા તત્વોએ ખુલ્લેઆમ ચેલેન્જ આપી હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : કોણ કરાવી રહ્યું છે ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર, માસ્ટર માઇન્ડ કોણ ?
મળતી માહિતી મુજબ શિલજ નજીકના એક ખાનગી કાફેમાં 10 લોકોએ હુમલો કરી 2 રાઉન્ડ ફાયરિંગ કરી આગ લગાડી હતી. પોલીસ દ્વારા મુખ્ય આરોપી વિશ્વનાથ રઘુવંશી સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે લોકોમાં ચર્ચાએ જોર પકડયું છે કે હવે અમદાવાદમાં ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના બને તો લોકો કેટલા સુરક્ષિત ?
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ડ્રગ્સનું ચલણ અને વેચાણ જે રીતે થઈ વધી રહ્યું છે તે જોતાં અમદાવાદની દશા અને દિશા આગામી સમયમાં કેવી હશે તે વિચારવા જેવી બાબત છે. છેલ્લા ઘણા સમયથી સિંધુભવન રોડ વિવાદોમાં રહ્યો છે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ રોડ પર કેટલાક કેફે ડ્રગ્સ પેડલર માટે ધંધો કરવાના કેન્દ્રો બન્યા છે અને અમદાવાદનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે.
આ પણ વાંચો : ગૃહ રાજ્યમંત્રીનો દાવો, ગુજરાત પોલીસે એક વર્ષમાં 9006 કરોડથી વધુનું ડ્રગ્સ પકડ્યું
હજુ સોમવારે જ સિંધુભવન રોડ પર નવા પોલીસ મથકની શરૂઆત કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ પણ કદાચ આ ડ્રગ્સના દૂષણને ડામવાનો છે પણ જાણે ગુંડા તત્વોને પોલીસનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ ફાયરિંગ થઈ રહ્યા છે ત્યારે હવે લોકો પણ કેફે કે હોટલમાં જતાં ડરી રહ્યા છે.