કેનેડાના વાનકુવરમાં શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. રિપુદમન પર તેઓ ઓફિસે જઈ રહ્યા હતા ત્યારે સરેમાં હુમલો થયો હતો. સ્થાનિક સમય મુજબ 9.30 વાગ્યે સવારે આ ઘટના બની હતી, તેમને શા માટે ગોળી મારવામાં આવી એ હજુ સુધી જાણી શકાયું નથી. બાઇક પર સવાર યુવકોએ તેમના પર હુમલો કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીઓ ખૂબ જ નજીકથી ચલાવવામાં આવી હતી. એ સ્થળ પર જ મૃત્યુ પામ્યા અને તેમને હોસ્પિટલ લઈ જવાનો સમય પણ ન મળ્યો.
રિપુદમનનું નામ 1985માં એર ઈન્ડિયા ફ્લાઈટ બોમ્બધડાકામાં સામે આવ્યું હતું, પરંતુ બાદમાં 2005માં આ કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
હાલમાં જ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી
રિપુદમનનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ ઓફિસથી કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં તેમણે PM મોદીનાં વખાણ કર્યા હતા. આ સાથે તેમણે શીખ સમુદાય માટે ઉઠાવવામાં આવેલા પગલાં માટે મોદી સરકારનો આભાર માન્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદીનાં વખાણ કરવા બદલ મલિકની હત્યા કરવામાં આવી છે.
મલિકે ડિસેમ્બર 2019માં ભારતની મુલાકાત લીધી હતી અને શીખ સમુદાય સુધી પહોંચવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં મલિકે એક પત્ર લખ્યો હતો, જેમાં PM મોદીને તેમની “શીખ સમુદાયની સેવાઓ” માટે અભિનંદન આપ્યા હતા. તેમણે કરતારપુર કોરિડોર ખોલવા બદલ ભારત સરકારની પણ પ્રશંસા કરી હતી.
BJPના નેતા મનજિંદર સિંહ સિરસાએ કેનેડા સ્થિત શીખ નેતા દ્વારા PM મોદીને લખેલો પત્ર તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો.
Ripudaman Singh Malik has dared to voice Sikh sentiments and spoken so honestly while writing a letter to PM @narendramodi Ji. He has thanking his government for the steps taken for Sikh community while especially mentioning the #VeerBaalDiwas initiative.
Must read and share! pic.twitter.com/7WSVyjdmrP— Manjinder Singh Sirsa (@mssirsa) January 19, 2022
રિપુદમન 10 વર્ષ સુધી ભારતીય બ્લેકલિસ્ટ હતા
રિપુદમન સિંહ મલિક લગભગ 10 વર્ષથી ભારતીય બ્લેક લિસ્ટમાં હતા. મલિકને 2020માં સિંગલ એન્ટ્રી વિઝા અને 2022માં મલ્ટીપલ વિઝા આપવામાં આવ્યા હતા. આ પછી મે મહિનામાં તેમણે આંધ્રપ્રદેશ, દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી.
કેનેડાથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બ્લાસ્ટના હતા આરોપી
એર ઈન્ડિયાની ફ્લાઈટ 22 જૂન 1985ના રોજ કેનેડાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. આઇરિશ એરસ્પેસમાં વિસ્ફોટ થયો, જેમાં 22 ક્રૂ-સભ્યો સહિત 331 મુસાફરનાં મોત થયાં. તેમાંથી મોટા ભાગના ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો હતા.
બ્લાસ્ટ સમયે પ્લેન લંડનના હીથ્રો એરપોર્ટથી લગભગ 45 મિનિટ દૂર હતું. કેનેડામાં રહેતા શીખ નેતા રિપુદમન સિંહ મલિકને આ કેસમાં આરોપી ગણવામાં આવ્યા હતા. આ ઘટનાનાં 20 વર્ષ બાદ તેઓ નિર્દોષ જણાયા હતા અને 2005માં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
1972માં કેનેડા ગયા અને કેબ-ડ્રાઈવર તરીકે શરૂઆત કરી
રિપુદમન 1972માં કેનેડા આવ્યા અને કેબ-ડ્રાઈવર તરીકે શરૂઆત કરી. બાદમાં સફળ બિઝનેસમેન બન્યા. તેઓ ખાલસા ક્રેડિટ યુનિયન (KCU) ના પ્રમુખ પણ બન્યા, જેની કુલ સંપત્તિ $110 મિલિયનથી વધુ હતી. રિપુદમન કેનેડાની સતનામ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હતા અને ખાલસા સ્કૂલ ચલાવતા હતા. તેમની શાળામાં કેનેડિયન અભ્યાસક્રમ ઉપરાંત પંજાબી ભાષા અને શીખ ઇતિહાસ પણ ભણાવવામાં આવે છે.