પુણે અકસ્માતમાં સગીર આરોપીના દાદા અને પિતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડી
પુણે, 31 મે: પુણે લક્ઝરી કાર અકસ્માત કેસમાં કોર્ટે સગીર આરોપીના પિતા અને દાદાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. વિશાલ અગ્રવાલ અને સુરેન્દ્ર અગ્રવાલને ફરી એકવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સગીર આરોપીના દાદા સુરેન્દ્ર અગ્રવાલ અને પિતા વિશાલ અગ્રવાલની કસ્ટડી વધારવાની માંગ કરતા ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં કહ્યું કે બંને આરોપીઓ સામે તપાસ ચાલી રહી છે. તેમનો મોબાઈલ અને કાર જપ્ત કરવામાં આવી છે.
પુરાવોનો નાશ કરવામાં મદદ કરનાર ત્રીજી વ્યક્તિની શોધ શરુ
પોલીસે જણાવ્યું કે સીસીટીવીની વિગતો આવવાની બાકી છે. પુરાવાનો નાશ કરવામાં આરોપીને કોણે મદદ કરી અને ત્રીજી વ્યક્તિ કોણ છે તેની તપાસ કરવાની જરૂર છે. ક્રાઈમ બ્રાન્ચે વિશાલ અગ્રવાલ અને સુરેન્દ્ર અગ્રવાલની 5 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી છે.
આરોપીના વકીલે શું કરી દલીલ?
વિશાલ અગ્રવાલના વકીલ પ્રશાંત પાટીલે આ અંગે જણાવ્યું કે સીસીટીવી પોલીસ કસ્ટડીમાં છે. કાર અને મોબાઈલ ફોન પહેલેથી જ અસ્તિત્વમાં છે. અત્યારે કસ્ટડીની જરૂર નથી. જો કે કોર્ટે બંને આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી છે.
શું છે મામલો?
પુણેમાં એક લક્ઝરી કારે બે લોકોને કચડી નાખ્યા હતા. લોકોએ કાર ચલાવતા છોકરાને પકડી લીધો હતો અને તેને ખૂબ માર માર્યો હતો. જોકે, બાદમાં કોર્ટે તેને એમ કહીને નિર્દોષ છોડી મૂક્યો હતો કે તેણે રોડ સેફ્ટી પર નિબંધ લખવો પડશે અને ટ્રાફિક પોલીસ સાથે કામ કરવું પડશે. આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવતાં જ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સગીર આરોપી ઉપરાંત તેના પિતા અને દાદાની પણ અટકાયત કરવામાં આવી હતી. સગીર આરોપી દારૂના નશામાં ડ્રાઇવિંગ કરતો હતો. તેને દારૂ પીરસનાર ક્લબ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીના દાદાએ ડ્રાઈવરને ધમકાવીને કોર્ટમાં કબૂલાત કરવા કહ્યું હતું કે તે અકસ્માત થયો ત્યારે કાર ચલાવતો હતો, પરંતુ આ યુક્તિ પણ કામ લાગી ન હતી અને ડ્રાઈવરને ધમકાવવા બદલ સગીરના દાદાની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: SIT કરાવશે પ્રજ્વલ રેવન્નાનો પોટેન્સી ટેસ્ટ, આ ટેસ્ટ શું છે, તેની જરૂર કેમ પડી?