ગુજરાત

કાલાવડમાં સગપણની વાત કરવા ગયેલા માલધારી પરિવાર પર 10 શખ્સોએ કર્યો હુમલો, પાંચ લોકો ઈજાગ્રસ્ત

જામનગર 19 ફેબ્રુઆરી 2026: જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં સગપણની વાત કરવા ગયેલા એક માલધારી પરિવાર પર જૂની અદાવત અને સંબંધની નારાજગીમાં ૧૦ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જામનગર તાલુકાના મોડપર ગામથી આવેલા પરિવારના પાંચ સભ્યો પર લાકડી અને ધોકા વડે હુમલો કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

સગપણનો સંબંધ ન ગમતા હુમલો કર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, મોડપર ગામમાં રહેતા ૪૬ વર્ષીય લાલસુરભાઈ (લાલાભાઇ) હીરાભાઈ ઘોડા અને તેમનો પરિવાર કાલાવડમાં રહેતા હેમશીભાઈ પોલાભાઈના ઘરે ગયા હતા. આ મુલાકાતનો હેતુ રામીબેનના સગપણ વિશે ચર્ચા કરવાનો હતો. જોકે, કાનાભાઈ દેપાળભાઈ માલાણી સહિતના ૧૦ શખ્સોને આ સગપણ મંજૂર નહોતું. સંબંધની આ વાત ચાલતી હતી તે દરમિયાન જ આ શખ્સોએ ત્યાં ધસી આવી હંગામો મચાવ્યો હતો અને ઉશ્કેરાઈ જઈ લાકડી-ધોકા વડે પરિવાર પર તૂટી પડ્યા હતા.

૧૦ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ

આ હુમલામાં લાલસુરભાઈ સહિત પરિવારના પાંચ સભ્યોને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે લાલસુરભાઈએ કાલાવડ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાનાભાઈ માલાણી, ગોગન દેપાળભાઈ, રણછોડ દેવપાલભાઈ સહિત ૧૦ શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રની આ નગરપાલિકામાં એકનાથ શિંદેને ઝટકો, કોંગ્રેસ અને ભાજપે સાથે મળીને મેયર બનાવ્યા!

Back to top button