Zomato કંપની હવે આ નામથી ઓળખાશે, જોકે એપનું નામ નહિ બદલાય


મુંબઈ, 10 માર્ચ, 2025: Zomatoનું નામ બદલાઈ ગયું છે. આ કંપની હવે નવા નામથી ઓળખાશે, પરંતુ એપનું નામ નહિ બદલાય એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.
વાસ્તવમાં ઝોમેટોના શેરધારકોએ લાંબા સમય સુધી ચાલેલી પ્રક્રિયા બાદ સોમવારે પેરેન્ટ કંપની ઝોમેટો લિમિટેડના નામમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે. આ સાથે કંપનીનું નામ હવે બદલીને ઇટરનલ લિમિટેડ Eternal Limited કરવામાં આવ્યું છે. એક અહેવાલ મુજબ ઇટરનલ પાસે ચાર વર્ટિકલ્સ હશે – ફૂડ-ડિલિવરી બિઝનેસ ઝોમેટો, ક્વિક કોમર્સ યુનિટ બ્લિંકિટ, ગોઇંગ-આઉટ વર્ટિકલ ડિસ્ટ્રિક્ટ અને બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) કરિયાણા સપ્લાય કંપની હાઇપરપ્યુર.
ઝોમેટોની સ્થાપના વર્ષ 2008 માં ફૂડીબે તરીકે કરવામાં આવી હતી. બાદમાં તેનું નામ બદલીને ઝોમેટો કરવામાં આવ્યું. કંપનીએ વર્ષ 2022 માં ક્વિક કોમર્સ કંપની બ્લિંકિટ હસ્તગત કરી. કંપનીના સહ-સ્થાપક દીપિન્દર ગોયલે શેરધારકોને લખેલા પત્રમાં લખ્યું હતું કે – જ્યારે અમે બ્લિંકિટ હસ્તગત કરી ત્યારે અમે કંપની અને બ્રાન્ડ/એપ વચ્ચે તફાવત કરવા માટે આંતરિક રીતે ‘ઇટર્નલ’ (ઝોમેટોને બદલીને) નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. અમે એવું પણ વિચાર્યું હતું કે જે દિવસે ઝોમેટો સિવાય બીજું કંઈક આપણા ભવિષ્યનો મુખ્ય ચાલક બનશે ત્યારે અમે જાહેરમાં કંપનીનું નામ બદલીને ઇટરનલ રાખીશું. આજે, બ્લિંકિટ સાથે મને લાગે છે કે આપણે ત્યાં પહોંચી ગયા છીએ.
એપનું નામ ‘ઝોમેટો’ રહેશે
મળતા અહેવાલ અનુસાર થોડા દિવસ પહેલા જ ઓનલાઈન ઓર્ડર લઈને ખાદ્યપદાર્થો અને કરિયાણાની વસ્તુઓ પહોંચાડતી કંપની ઝોમેટોને કંપનીના ડિરેક્ટર બોર્ડ તરફથી તેનું નામ બદલીને ઈટરનલ રાખવાની મંજૂરી મળી હતી. મહત્ત્વનું છે કે કંપનીના ફૂડ ડિસ્ટ્રિબ્યુશન વ્યવસાયનું બ્રાન્ડ નામ અને એપનું નામ ‘ઝોમેટો’ જ રહેશે. શેરધારકોની મંજૂરી બાદ કોર્પોરેટ વેબસાઇટનું સરનામું ‘zomato.com’ થી ‘eternal.com’ માં બદલાશે.
આ પણ વાંચોઃ UPSCએ જાન્યુઆરી, 2025 મહિના માટે ભરતી પરિણામો જાહેર કર્યાં, જુઓ અહીં
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD