Zomato CEOની અનોખી જોબ ઓફર, 20 લાખ જમા કરાવો અને 1 વર્ષ સુધી…
- આ રકમ સ્વૈચ્છિક સંસ્થા ફીડિંગ ઇન્ડિયાને દાનમાં આપવામાં આવશે: દીપિન્દર ગોયલ
નવી દિલ્હી, 21 નવેમ્બર: ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ Zomatoના CEO દીપિન્દર ગોયલે એક અનોખી જોબ ઓફર કરી છે. જેમાં પસંદ કરાયેલા વ્યક્તિએ પહેલા વર્ષમાં 20 લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે. ગોયલે ‘ચીફ ઓફ સ્ટાફ’ના પદ માટેના સંભવિત ઉમેદવારોને પ્રથમ વર્ષ માટે 20 લાખ રૂપિયા ચૂકવવા કહ્યું છે. ગોયલે બુધવારે કહ્યું કે, આ રકમ બિન-લાભકારી સંસ્થા ફીડિંગ ઇન્ડિયાને દાનમાં આપવામાં આવશે. જેના બદલામાં કંપની ઉમેદવારની પસંદગીની કોઈપણ ચેરિટીમાં રૂ. 50 લાખનું યોગદાન આપવાની ઓફર કરશે. ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, અમે એક ‘ચીફ ઓફ સ્ટાફ’ની શોધમાં છીએ, જેના પદનું વર્ણન આ પ્રકારે છે : “ઝોમેટો (બ્લિંકિટ, ડિસ્ટ્રિક્ટ, હાયપરપ્યોર અને ફીડિંગ ઈન્ડિયા સહિત)નું ભવિષ્ય બનાવવા માટે જે બધું કરી શકે છે.”
Update: I am looking for a chief of staff for myself. pic.twitter.com/R4XPp3CefJ
— Deepinder Goyal (@deepigoyal) November 20, 2024
પ્રથમ વર્ષમાં 20 લાખ જમા કરવાના રહેશે
દીપિન્દર ગોયલે દાવો કર્યો કે, “આ ભૂમિકા કોઈ ટોચની મેનેજમેન્ટ સ્કૂલમાંથી બે વર્ષની ડિગ્રી કરતાં 10 ગણી વધુ શીખવાની તકો પૂરી પાડશે. આમાં મારી સાથે અને ઉપભોક્તા ટેક્નોલોજીમાં કેટલાક સૌથી વધુ વિચારશીલ લોકો સાથે કામ કરવાની તક મળશે. જો કે, આ ભૂમિકા કોઈ પારંપરિક ભૂમિકા નથી, જેમાં નોકરી સાથે મળનારા સામાન્ય ભથ્થા સામેલ હોય.” ગોયલે પગારની વિગતો પર લખ્યું કે, પ્રથમ વર્ષમાં આ પોસ્ટ માટે કોઈ પગાર નહીં મળે, પરંતુ તમારે આ અવસર માટે 20 લાખ રૂપિયા આપવા પડશે. આ ‘ફી’નું 100 ટકા સીધું ફીડિંગ ઈન્ડિયાને આપવામાં આવશે (જો તમને આ પદ આપવામાં આવે અને તમે તેને સ્વીકારો).
બીજા વર્ષથી મળશે પગાર
દીપિન્દર ગોયલે આગળ લખ્યું કે, “અમે અમારા તરફથી સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે, અમે અહીં પૈસા બચાવવાનો પ્રયાસ નથી કરી રહ્યા. અમે તમારી પસંદગીની કોઈપણ ‘ચેરિટી’માં 50 લાખ રૂપિયા (ચીફ ઑફ સ્ટાફના પગારની સમકક્ષ)નું યોગદાન આપીશું.” ગોયલે કહ્યું કે, “બીજા વર્ષથી અમે તમને સામાન્ય પગાર (અલબત્ત 50 લાખ રૂપિયા) આપવાનું શરૂ કરી દઈશું, પરંતુ અમે આ વિશે બીજા વર્ષની શરૂઆતમાં જ વાત કરીશું.” ગોયલે ઉમેદવારોને કહ્યું કે, તેઓ આ પોસ્ટ માટે માત્ર તેના માટે અરજી કરે, કારણ કે આનાથી તેમને શીખવાની તક મળશે, નહીં કે કોઈ એવી આકર્ષક અને સારી વેતનવાળી નોકરી માટે જે તમને તમારી જાત અથવા તેવા લોકો સામે સારા દેખાડે, જેને પ્રભાવિત કરવાનો તમે પ્રયાસ કરી રહ્યા હોય.
બહુ અનુભવની જરૂર નથી
વધુમાં, દીપિન્દર ગોયલે કહ્યું કે, “આને એક લર્નિંગ પ્રોગ્રામ તરીકે જુઓ જેમાં વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ બંને છે. ભલે તમે આ રોલમાં સફળ રહો કે નહીં. અમે આ ભૂમિકા માટે શીખવા માંગતા લોકો ઈચ્છીએ છીએ, ‘બાયોડેટા’ બનાવનારાઓ નહીં.” ગોયલે કહ્યું કે, આ પોસ્ટ માટે એવી વ્યક્તિની જરૂર છે જે કંઈક શીખવાની ધગશ, સામાન્ય સમજ, સહાનુભૂતિ ધરાવે છે અને આ માટે વધુ અનુભવની જરૂર નથી. જેથી તેના પર કોઈ પણ વસ્તુનો બોજ ન આવે. તેમણે કહ્યું કે, તે એવી વ્યક્તિની શોધમાં છે જે ડાઉન ટુ અર્થ છે. યોગ્ય વસ્તુ કરવા માંગે છે, પછી ભલે તેનો અર્થ અન્યને પરેશાન કરવાનો હોય, અને સૌથી અગત્યનું, શીખવા માટે ઉત્સુક હોય.”
આ પણ જૂઓ: પર્સનલ લોન માટે અપ્લાય કરવા માંગો છો? આ બાબતોનું ધ્યાન રાખો