ગુજરાત

જીલ્લા પંચાયતોને જમીન બીનખેતીની સત્તા પાછી નહીં મળે : મુખ્યમંત્રીએ માંગ ફગાવી

Text To Speech

તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખો-ઉપપ્રમુખોની એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા પંચાયતોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરાઇ હતી પરંતુ સાથોસાથ આ બેઠકમાં જિલ્લા પ્રમુખોએ પ્રથમ તો તેમના પગાર અને ભથ્થા વધારવા માટેની માંગણી કરી હતી. મુખ્યમંત્રીએ આ માંગણીને વ્યાજબી ગણીને યોગ્ય કરવાની ખાતરી આપી હતી.

બિનખેતીની સત્તા કલેક્ટરને સોંપાઈ

પ્રમુખોએ એવી પણ રજૂઆત કરી હતી કે અગાઉ પંચાયત હસ્તકની જમીનો બિનખેતી કરવાની સત્તા જિલ્લા પંચાયતો હસ્તક હતી, તે સત્તા હવે કલેકટરોને સોંપી દેવામાં આવી છે તો તેના કારણે જિલ્લા પંચાયતોની આવકો ઓછી થઇ ગઇ છે. જો તેમાં ફેરફાર કરવામાં આવે તો પંચાયતોની આવકોમાં વધારો થઇ શકે તેમ છે. જિલ્લા પંચાયત પ્રમુખોની આ માંગણી મુખ્યમંત્રીએ ફગાવી દીધી હતી.

હાલમાં પગાર સહિત ખર્ચની વાર્ષિક રકમ રૂ.80000

અત્યારે જિલ્લા પંચાયતોના પ્રમુખને દર મહિને રૂા.3300 પગાર મળે છે. આ ઉપરાંત તેમને ડીઝલ-પેટ્રોલ સહિતના ભથ્થા પેટે રૂા.80 હજાર વાર્ષિક મળે છે. આ રકમ હાલના સમયમાં ઘણી ઓછી હોવાની રજૂઆત જિલ્લા પંચાયતના પ્રમુખો દ્વારા આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ કરાઇ હતી. જેને વાજબી ગણીને મુખ્યમંત્રીને તેનો સ્વીકાર કર્યો હતો અને આ દિશામાં યોગ્ય કરવાની ખાતરી આપી હતી. દરમિયાનમાં જ જિલ્લા પંચાયત પ્રમુખોએ, જિલ્લા પંચાયત હસ્તક જમીનને એન.એ.(નોન-એગ્રીકલ્ચરલ, બિનખેતી) કરવા સહિતની કામગીરી તેમના હસ્તક હતી તે સત્તા કલેકટર કચેરીને સોંપી દેવામાં આવી છે.

Back to top button