યુવરાજ સિંહને ICCએ T20 વર્લ્ડ કપમાં સોંપી મહત્ત્વની જવાબદારી
- ICCએ યુવરાજ સિંહને T20 વર્લ્ડ કપ માટે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા
- યુવરાજ સિંહ ઉપરાંત હાલમાં ક્રિસ ગેલ અને યુસૈન બોલ્ટને પણ આ ટૂર્નામેન્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા
મુંબઈ, 26 એપ્રિલ: T20 વર્લ્ડ કપ 2024નું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં થવાનું છે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. આ દરમિયાન ICCએ એક મોટો નિર્ણય લીધો છે અને યુવરાજ સિંહને T20 વર્લ્ડ કપનો ભાગ બનાવ્યો છે. આઈસીસીએ પોતે X પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. T20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહના નામે ઘણા મોટા રેકોર્ડ છે. આવી સ્થિતિમાં ICCએ યુવરાજ સિંહને T20 વર્લ્ડ કપ માટે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા છે. યુવરાજ સિંહ ઉપરાંત હાલમાં ક્રિસ ગેલ અને યુસૈન બોલ્ટને પણ આ ટૂર્નામેન્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.
T20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહ કરી ચૂક્યા છે કમાલ
જ્યારે પણ યુવરાજ સિંહનું નામ કોઈના મગજમાં આવે છે, ત્યારે સૌથી પહેલા જે વાત મનમાં આવે છે તે 2007 T20 વર્લ્ડ કપ દરમિયાન તેમણે ફટકારેલા છ છગ્ગા છે. આ સાથે જ તેમણે T20 વર્લ્ડ કપમાં માત્ર 12 બોલમાં અડધી સદી પણ ફટકારી છે. આ ટૂર્નામેન્ટની આ સૌથી ઝડપી અડધી સદી પણ છે. યુવરાજ સિંહના શાનદાર ફોર્મના કારણે ટીમ ઈન્ડિયાએ 2007નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
T20 વર્લ્ડ કપ 1 જૂનથી થશે શરુ
T20 વર્લ્ડ કપ 2024નું આયોજન 01 થી 29 જૂન દરમિયાન કરવામાં આવશે. જ્યાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજ દરમિયાન આયર્લેન્ડ, પાકિસ્તાન, અમેરિકા અને કેનેડા સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાના વિકલ્પો વિશે પણ ચર્ચા કરી છે. યુવરાજ સિંહે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર વિશે ચર્ચા કરી છે. યુવરાજ આંતરરાષ્ટ્રીય રમતગમતનો ઉત્સુક અનુયાયી છે અને તેમણે આ વર્ષની ઇવેન્ટ અને બીજી વખત T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવા માટે ભારતને શું કરવાની જરૂર છે તે અંગે ચર્ચા કરવા માટે ICC સાથે બેઠક કરી હતી.
Who will make it to India’s squad for the ICC Men’s #T20WorldCup 2024? 🤔
Event Ambassador Yuvraj Singh has some exciting prospects on his list 👀https://t.co/zMjeIig7qF
— ICC (@ICC) April 26, 2024
યુવરાજ સિંહે કહી આ વાત
યુવરાજ સિંહે સૂર્યકુમાર યાદવ વિશે કહ્યું કે તે જે રીતે રમે છે, તે 15 બોલમાં રમતનો માર્ગ બદલી શકે છે. યુવરાજ સિંહે કહ્યું કે, ‘ભારત માટે આ T-20 વર્લ્ડ કપ જીતવા માટે સૂર્ય મહત્વનો ખેલાડી રહેશે. બોલરો વિશે યુવરાજ સિંહને લાગે છે કે તે ટીમમાં યુઝવેન્દ્ર ચહલ જેવા લેગ સ્પિનર હોવા જોઈએ. કેમ કે તેઓ ખરેખર સારી બોલિંગ કરી રહ્યો છે. વિકેટકીપરના મામલે યુવરાજ સિંહે કહ્યું કે દિનેશ કાર્તિક સારો વિકલ્પ બની શકે છે, જો તેને પ્લેઈંગ 11માં લેવાનો હોય તો, નહીં તો સંજુ સેમસન અને રિષભ પંત શાનદાર ફોર્મમાં છે. તેમણે કહ્યું કે હું ડીકેને ટીમમાં જોવા માંગુ છું, પરંતુ જો તે નહીં રમે તો તમે એવા વ્યક્તિને પસંદ કરશો જે યુવા હોય અને બદલાવ લાવી શકે.
આ પણ વાંચો: BCCI ટૂંક સમયમાં લેવા જઈ રહ્યું છે મોટો નિર્ણય, હવે આ ખેલાડીઓ થશે અમીર