ગુજરાતટ્રેન્ડિંગનેશનલ

યુટ્યુબરે સંસ્થાની કરી બદનક્ષી, હવે ચૂકવવું પડશે 50 લાખનું વળતર, જાણો શું છે આખો કેસ?

  • સેવાભારતી વિરુદ્ધ ખોટા આક્ષેપો કરનારને મદ્રાસ હાઈકોર્ટે આપ્યો વળતર ચૂકવવાનો આદેશ આપ્યો
  • બે વ્યક્તિના કસ્ટોડિયલ મૃત્યુને યુટ્યુબરે RSS સાથે સંકળાયેલી સંસ્થા સાથે સાંકળ્યા હતા

મદ્રાસ, 19 માર્ચ, 2024: દેશની એક રાષ્ટ્રવાદી સંસ્થા વિરુદ્ધ કોટા આક્ષેપ કરીને બદનામ કરવાનો પ્રયાસ કરનાર એક યુટ્યુબરને મદ્રાસ હાઈકોર્ટે બરાબર ફટકાર લગાવી છે એટલું જ નહીં પરંતુ એ વ્યક્તિએ જે સંસ્થાની બદનક્ષી કરવાનો પ્રયાસ કર્યો હતો તે સંસ્થાને રૂપિયા 50 લાખ ચૂકવી આપવા પણ કોર્ટે યુટ્યુબરને આદેશ કર્યો છે.

તાજેતરમાં આ કેસનો ચુકાદો આપતા કોર્ટે કહ્યું કે, નિર્દોષ વ્યક્તિઓને નિશાન બનાવીને ખોટા આરોપો લગાવવામાં આવે તો કોર્ટ મૂક બની રહી શકે નહીં. કોર્ટે કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દૂરુપયોગ કરવાનો કોઈને અધિકાર નથી.

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એન સતીશ કુમારની બેન્ચે 6 માર્ચ, 2024ના રોજ આ ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં કહેવાયું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કોઈપણ વ્યક્તિ પોતાની બંધારણીય સ્વતંત્રતા અને અધિકારોનો દૂરુપયોગ બીજાની ગોપનીયતા પર હુમલો કરવા અથવા તો તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે કરી શકે નહીં.

દેશભરની અદાલતી કાર્યવાહીઓ ઉપર દેખરેખ રાખનાર અને તેના સમાચાર આપનાર સોશિયાલ મીડિયા હેન્ડલ બાર એન્ડ બેન્ચના અહેવાલ અનુસાર, જસ્ટિસ કુમારે તેમના ચુકાદામાં કહ્યું કે, “માત્ર, અભિવ્યક્તિની સ્વતંત્રતાના બહાના હેઠળ, વ્યક્તિ અન્યની ગોપનીયતા સાથે ચેડાં કરી શકે નહીં અને ઇન્ટરવ્યૂ લઈ શકે નહીં. કાયદો યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયાને બીજાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું લાયસન્સ આપતો નથી. આવા સંજોગોમાં અદાલત મૂક પ્રેક્ષક બની શકે નહીં.” આ સાથે જ કોર્ટે યુટ્યુબર સુરેન્દ્ર ઉર્ફે નાથિકનને સેવાભારતી સંસ્થાને ₹50 લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.

સમગ્ર કેસ શું છે?

વાસ્તવમાં, યુટ્યુબરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા તમિલનાડુના સેવાભારતી ટ્રસ્ટને 2020માં બે ખ્રિસ્તી વ્યક્તિઓ પી જયરાજ અને તેમના પુત્ર બેનિક્સનના કસ્ટોડિયલ મૃત્યુ સાથે જોડ્યુ હતું અને ટ્રસ્ટ પર ઘણી અપમાનજનક ટીપ્પણીઓ કરી હતી. તેની સામે સેવાભારતીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને વળતરની માંગણી કરી હતી. આ સાથે જ સેવાભારતીએ કોર્ટ પાસે માંગણી કરી હતી કે, તે યુટ્યુબરને તેની વિરુદ્ધ કોઈપણ અપમાનજનક નિવેદન આપવાનું બંધ કરવાનો નિર્દેશ આપે.

હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, આજકાલ લોકો સોશિયલ મીડિયા પર ફરતાં નિવેદનોનો બ્લેકમેઈલિંગના સાધન તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે. જેને કોઈપણ સંજોગોમાં ચલાવી લઈ શકાય નહીં. કોર્ટે કહ્યું કે, જો શરૂઆતમાં જ તેમને અટકાવવામાં નહીં આવે તો તેનો કોઈ અંત નહીં આવે અને દરેક બ્લેકમેઈલર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ખોટા અને બિનજરૂરી સમાચાર ફેલાવીને અન્ય લોકોને બ્લેકમેલ કરવા લાગશે.

સેવા ભારતી - HDNews
સેવા ભારતી – photo: organiser.org/

બીજી તરફ સેવાભારતીએ કેસની સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું કે, જયરાજ અને બેનિક્સના મૃત્યુ સાથે તેને કોઈ લેવાદેવા નથી. હકીકતે બંનેનાં મૃત્યુ પોલીસ કસ્ટડીમાં થયાં હતાં. તેમ છતાં સુરેન્દ્રએ યુટ્યુબ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને ખોટો દાવો કર્યો કે, સેવાભારતી બંનેના મૃત્યુમાં સામેલ છે. ટ્રસ્ટે તેની દલીલમાં જણાવ્યું હતું કે, આ યુટ્યુબરે તેમની સંસ્થાને માત્ર એટલા માટે બદનામ કરી છે, કારણ કે તે RSS સાથે સંકળાયેલી એક સંસ્થા છે. તેના જવાબમાં મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે, યુટ્યુબરના સેવાભારતી માટેના વીડિયોની સામગ્રી બદનક્ષીભરી અને પાયાવિહોણી છે તેથી જ યુટ્યુબરને દંડ ફટકારવામાં આવે છે.

આ પણ વાંચોઃ CAA પર કોઈ રોક નહીં: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો જવાબ

Back to top button