ટ્રેન્ડિંગનેશનલ

બ્રેકઅપના 37 દિવસ અને છેલ્લો મેસેજ… હૈદરાબાદમાં યુટ્યુબરે કર્યો આપઘાત, ડાયરીમાં લખ્યું- એ શોધશે, હું નહીં મળું

નવી દિલ્હીઃ 26 ફેબ્રુઆરી, 2026: વર્ચ્યુઅલ દુનિયામાં પોતાની લાઈફસ્ટાઈલ વીડિયોથી જાણીતી બનેલી 21 વર્ષીય યુટ્યુબર બોનુ કોમાલીએ આત્મહત્યા કરી લીધી છે. હૈદરાબાદના મણિકોંડા વિસ્તારમાં આવેલા તેના ફ્લેટમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક ડાયરી મળી છે, જેમાં લખેલી વાતો પરથી એવું અનુમાન લગાવાય રહ્યું છે કે પ્રેમમાં બ્રેકઅપના સદમાને કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું છે.

ડાયરીમાં છલકાયું દર્દ: ‘આઈ એમ મિસિંગ યુ મેન’

વિશાખાપટ્ટનમની વતની અને હૈદરાબાદમાં ગ્રેજ્યુએશન કરી રહેલી બોનુ કોમાલી છેલ્લા ૩૭ દિવસથી ભારે માનસિક તણાવમાં હતી. 21 ફેબ્રુઆરીએ તેણે ડાયરીમાં લખ્યું હતું કે, “તેમને પોતાના દિલમાં સુરક્ષિત રાખવા એ સૌથી બહાદુરીનું કામ છે. આઈ એમ મિસિંગ યુ મેન. મને ખબર છે કે મારે તેને છોડી દેવો જોઈએ, તે મારો નથી અને તે રોકવાનો પ્રયત્ન પણ નથી કરી રહ્યો. પરંતુ મારો એક નાનો હિસ્સો હજુ પણ તેની રાહ જુએ છે કે કદાચ તે મને પસંદ કરશે. જો હું આગળ વધી જાઉં અને તે જ ક્ષણે તે મને શોધવા પાછો ફરે તો?”

માતાને છેલ્લો મેસેજ: ‘તમારું અને ભાઈનું ધ્યાન રાખજો’

બોનુની માતા કુવૈતમાં કામ કરે છે. આત્મહત્યા કરતા પહેલા બોનુએ તેની માતાને એક અત્યંત ભાવુક મેસેજ મોકલ્યો હતો: “હું તમને બહુ પ્રેમ કરું છું મમ્મી, તમે તમારું અને નાના ભાઈનું ધ્યાન રાખજો.” આ મેસેજ વાંચતા જ માતા ફફડી ઉઠી હતી. તેમણે કુવૈતથી સતત ફોન કર્યા પણ બોનુએ જવાબ ન આપ્યો. અંતે હૈદરાબાદમાં રહેતા મિત્રને ઘરે મોકલતા અને પોલીસે દરવાજો તોડતા અંદરથી બોનુનો મૃતદેહ મળી આવ્યો હતો.

CCTV ફૂટેજમાં દેખાયો એક્સ-બોયફ્રેન્ડ

પોલીસ તપાસમાં એક મહત્વનો ખુલાસો થયો છે. એપાર્ટમેન્ટના CCTV ફૂટેજમાં જોવા મળ્યું છે કે બોનુએ તાજેતરમાં જ તેના એક્સ-બોયફ્રેન્ડનો સંપર્ક કર્યો હતો અને તેને મળવા બોલાવ્યો હતો. ફૂટેજમાં બોનુ દરવાજે ઉભેલી દેખાય છે અને તેનો બોયફ્રેન્ડ ચૂપચાપ ત્યાંથી જતો રહે છે. માનવામાં આવે છે કે બોનુએ સંબંધ સુધારવાનો છેલ્લો પ્રયત્ન કર્યો હતો, જેમાં નિષ્ફળતા મળતા તે ભાંગી પડી હતી.

પોલીસ તપાસ ચાલુ

રાયદુર્ગમ પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, બોનુના મોબાઈલ ફોનનો ડેટા અને સોશિયલ મીડિયા એક્ટિવિટીની તપાસ કરવામાં આવી રહી છે. તેના મિત્રો અને સંબંધીઓની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉસ્માનિયા હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે.

 

Back to top button