“મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન યોજાયું


- એનઆઈએમસીજેના વિદ્યાર્થીઓએ મતદાન કરવાના શપથ લીધા
અમદાવાદ, 7 માર્ચ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદ ખાતે પ્રથમવાર મતદાન કરનારા વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણે લોભલાલચ વગર મતદાન કરવાના 6ઠ્ઠી માર્ચને બુધવારે શપથ લીધા હતા. ‘મેરા પહેલા વોટ દેશ કે લિયે’ યુવા મતદાર જાગૃતિ અભિયાન હેઠળ શપથની સાથે અન્ય મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ પણ સંસ્થામાં યોજાઇ હતી.

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત અધિક કલેક્ટર અને પૂર્વ ચૂંટણી અધિકારી પ્રદીપસિંહ રાઠોડે વિદ્યાર્થીઓને સમગ્રતયા ચૂંટણી પ્રક્રિયા વિશે રસપ્રદ રીતે સમજ આપી હતી. લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટે ચૂંટણી પ્રક્રિયા શા માટે દેશ અને નાગરિકો માટે જરૂરી છે તે સુંદર કથાનકો અને ઉદાહરણો દ્વારા તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. શ્રી રાઠોડે વિદ્યાર્થીઓને લોભલાલચને વશ થયા વગર શુદ્ધબુદ્ધિથી મતદાન કરાવવાના શપથ પણ લેવડાવા હતા.
આ પ્રસંગે ઇલેક્શન કમિશન અને સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા મતદાન જાગૃતિ અભિયાનના વિડીયો વિદ્યાર્થીઓએ નિહાળ્યા હતા. વિદ્યાર્થીઓને વિડીયો ઉપરાંત ચૂંટણી પ્રક્રિયાની રસપ્રદ ઢબે માહિતી આપતી કોમિક બુકસ તેમજ ઇલેક્શન એટલાસ પણ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના નિયામક પ્રો.(ડૉ.)શિરીષ કાશીકર, નાયબ નિયામક ઇલાબેન ગોહિલ, પ્રાધ્યાપક કૌશલ ઉપાધ્યાય, નિલેશ શર્મા, પાયલ ભાલાણી તથા સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ અભિયાનને સફળ બનાવ્યું હતું.
આ પણ વાંચોઃ ઑનલાઇન ફ્રોડ કરનારાઓની હવે ખેર નહીં! સરકારે લૉન્ચ કર્યું Chakshu પોર્ટલ, આ રીતે નોંધાવો ફરિયાદ