સુરતમાં યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું, બેંક લોનના હપ્તા ભરવાના તણાવમાં હતો
સુરત, 01 ઓગસ્ટ 2024, શહેરમાં આજે બે યુવકોએ તાપી નદીમાં કૂદીને આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નદીના પાણીના પ્રવાહમાં બંનેની શોધખોળ કરી હતી. ONGC બ્રિજ પર યુવક કારમાં યુવતી સાથે પહોંચ્યો હતો. ત્યાર બાદ બહાર નીકળીને નદીમાં કૂદી ગયો હતો. અન્ય એક બનાવમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવકે પણ નદીમાં ઝંપલાવ્યું હતું.
યુવાને બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી દીધી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ONGC બ્રિજ પરથી એક યુવાને તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. દામકા ગામમાં રહેતો જિજ્ઞેશ પટેલ નામનો યુવાન ધોરણ-12ની વિદ્યાર્થિની સાથે ઇકો ગાડી લઇને ONGC બ્રિજ પર પહોંચી ગયો હતો. યુવતીને ગાડીમાંથી ઉતારી આગળ જઈને ગાડી પાર્ક કરી યુવાને બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી તાપી નદીમાં શોધખોળ શરૂ કરી હતી. નદીમાં કૂદનાર યુવાન બેન્કના લોનના હપતાના ચેક બાઉન્સ થતાં ટેન્શનમાં હતો. જેથી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
પોલીસે ધોરણ-12ની વિદ્યાર્થીનીની વધુ પૂછપરછ હાથ ધરી
આ મામલે ઈચ્છાપોર પોલીસ દ્વારા ઇકો કાર કબજે લઈને ધોરણ-12ની વિદ્યાર્થીનીની વધુ પૂછપરછ હાથ ધરી છે. અન્ય એક બનાવમાં ડિંડોલી વિસ્તારમાં રહેતો 25 વર્ષીય ભૌતિક ગણેશભાઈ જાદવ પરિવાર સાથે રહેતો હતો. આજે બપોરના સમયે ભૌતિક બ્રિજ પર પહોંચી ગયો હતો અને તેણે નદીમાં છલાંગ લગાવી દીધી હતી. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં ટીમ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તાપી નદીમાં આ યુવકની શોધખોળ કરવામાં આવી હતી. જોકે હજુ સુધી યુવકનો પત્તો લાગ્યો નથી.
આ પણ વાંચોઃસુરતમાં બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવે તે પહેલાં જ પોલીસે મહિલાને બચાવી લીધી