ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં યુવકને પ્રેમ ભારે પડ્યો, પ્રેમિકાના પતિએ આપી તાલિબાની સજા, 4 લોકો સામે ફરિયાદ

ડીસા, 05 એપ્રિલ 2024 ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પ્રેમસંબંધમાં તાલિબાની સજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ડીસા તાલુકાના એક ગામમાં પ્રેમિકાએ પ્રેમીને અડધી રાત્રે મળવા બોલાવ્યો હતો. ત્યાર બાદ પ્રેમિકાના પતિ સહિતના ચાર લોકોએ તેને માર માર્યો હતો. તેનું મુંડન કરીને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. આ મુદ્દે ચાર લોકો સામે ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસાના એક ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ડીસા તાલુકાના લેબાજી ઠાકોર મજૂરી કરીને જીવન ગુજારે છે. થોડા સમય પહેલાં તેમને ડીસાના એક ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ બંને જણા ભાગી ગયા હતાં. બાદમાં બંને પકડાઈ જતાં યુવકના પરિવારજનોએ યુવતીને તેના પરિવારને સોંપી દીધી હતી. આ દરમિયાન પ્રેમિકાએ લેબાજીને ફોન કરીને અડધી રાત્રે મળવા બોલાવ્યો હતો.લેબાજી રાત્રે 12 વાગ્યે યુવતીના ગામે પહોંચ્યો હતો. જ્યાં યુવતીના પતિ, તેના સસરા અને બે મહિલાઓ સહિત ચાર લોકોએ અપશબ્દો બોલી માર માર્યો હતો.તેમજ લેબાજીને બળજબરીપૂર્વક તેમના ઘર તરફ ઉઠાવી જઇ માથે મુંડન કરીને માર મારતાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.

માથે મુંડન કરી વીડિયો વાઈરલ કર્યો હતો
લેબાજીને ડીસા તાલુકા પોલીસ મથકે લાવી તેના વિરુદ્ધ અરજી કરી હતી. બનાવને પગલે યુવકનાં પરિવારજનો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત લેબાજીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. લેબાજીએ યુવતીના પતિ, સસરા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ કરી છે. આ બનાવ અંગે યુવક લેબાજી ઠાકોરે જણાવ્યું હતું કે, 8 મહિના અગાઉ લેબાજી તે યુવતીને લઈ ભાગી ગયો હતો. જો કે યુવતીને તેનાં પરિવારજનોને પરત સોંપી દીધી હતી. ગતરાત્રે યુવતીનો ફોન આવ્યો હતો અને મને લઈ જા નહિતર હું મરી જઈશ એવું કહેતાં લેબાજી યુવતીના ગામે પહોંચ્યો હતો. જ્યાં યુવતીના પતિ, સસરા સહિત 20થી 25 લોકોએ તેની સાથે મારઝૂડ કરી હતી અને માથે મુંડન કરી વીડિયો વાઈરલ કર્યો હતો. જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃકોંગ્રેસને ઉમેદવારો મળતા નથી છેલ્લા દિવસે ખાનુ તો ખાલી નહીં જ રાખેઃ મંત્રી ઋષિકેશ પટેલ

Back to top button