ડીજે પર મનપસંદ ગીત ન વગાડવા પર યુવકને માર મારીને કરી હત્યા
- મનપસંદ ગીત ન વગાડવા પર યુવકની ટોળાએ કરી હત્યા, આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઉપરાંત ઘણા લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે
બરેલી, 26 માર્ચ: ઉત્તર પ્રદેશના બરેલીના બરાદરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોળીના અવસર પર મનપસંદ ગીત ન વગાડવાના કારણે કેટલાક લોકોએ એક વ્યક્તિની હત્યા કરી નાખી છે. મળતી માહિતી મુજબ હોળી પર મનપસંદ ગીત ન વગાડવાને લઈને વિવાદ થયો હતો. વિવાદ એટલો વધી ગયો હતો કે ટોળાએ યુવકની હત્યા કરી નાખી. હત્યારાઓએ યુવકને ઈંટ વડે માર મારીને હત્યા કરી નાખી હતી. આ પછી તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. કેટલાક લોકોએ આરોપીઓ ભાગતા હોવાનો વીડિયો પણ બનાવ્યો છે, જે વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઉપરાંત ઘણા લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
યુવકના લગ્ન 1 વર્ષ પહેલા જ થયા હતા
આ ઘટના બારાદરીના સંજય નગર વિસ્તારના ટાવર લેનમાં બની હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, 20 વર્ષીય ગોલુ શ્રીવાસ્તવ પર કેટલાક લોકોએ અચાનક હુમલો કર્યો હતો. ગોલુના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. હોળીના અવસર પર ડીજે વાગી રહ્યો હતો અને લોકો ખુશીથી નાચી રહ્યા હતા પરંતુ આ દરમિયાન મનપસંદ ગીત ન વગાડતા વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે અચાનક કેટલાક લોકોએ ગોલુ પર ઈંટ વડે હુમલો કર્યો. જો કે, નજીકના લોકોના આગમનને કારણે, આરોપી ત્યાંથી ભાગી ગયો અને ગોલુને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
પોલીસે કોઈ કાર્યવાહી જ નથી કરી: મૃતકનો પરિવાર
પરિવારજનોનું કહેવું છે કે પોલીસે હજુ સુધી આરોપીને પકડીને જેલમાં મોકલ્યો નથી અને આ કેસમાં કોઈ મોટી કાર્યવાહી કરી નથી. પરિવારજનો પણ પોલીસ પર બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમીરોના બંધ બંગલામાં ચોરી કરતો હતો આ ‘બંટી’, 21 કેસમાં વોન્ટેડ, પોલીસે કરી ધરપકડ