ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તમારો હરીફ તમારો દુશ્મન નથી: TMC સામે જાહેરાતના કેસમાં BJPને SCની ફટકાર

  • સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો

નવી દિલ્હી, 27 મે: TMC વિરૂદ્ધ જાહેરાતના મામલામાં ભાજપને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ભાજપને કહ્યું કે, “પ્રથમ નજરે તમારી જાહેરાત ખોટી છે. તમારો હરીફ તમારો દુશ્મન નથી. તમે તમારી વાત હાઈકોર્ટમાં રજૂ કરો.” કલકત્તા હાઈકોર્ટે TMC વિરુદ્ધ બીજેપીની જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો હતો. હાઈકોર્ટે TMC વિરુદ્ધ બીજેપીની જાહેરાત પર 4 જૂન સુધી પ્રતિબંધ મૂક્યો હતો. જે બાદ ભાજપે હાઇકોર્ટના આદેશને પડકારવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હવે અહીંથી પણ ભાજપને ઝટકો લાગ્યો છે.

ભાજપના વરિષ્ઠ વકીલ પી.એસ. પટવાલિયાએ કહ્યું કે, અમારી જાહેરાતો તથ્યો પર આધારિત છે. જેના પર જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે, અરજીમાં સંબંધિત પેજ જુઓ. તમે અહીં મુદ્દાને અતિશયોક્તિ સાથે બતાવી રહ્યા છો. જેમાં અમે દખલગીરી કરવા માંગતા નથી. પટવાલિયાએ કહ્યું કે, અમારી તો વાત પણ સાંભળવામાં આવી નથી. અમારી દલીલ તો સાંભળો. જેના પર જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે, “પ્રથમ નજરે તમારી જાહેરાત બદનક્ષીભરી છે.”

અમે વધુ કડવાહટને પ્રોત્સાહન આપી શકતા નથી: SC

કોર્ટે કહ્યું કે, “અમે વધુ કડવાશને પ્રોત્સાહન આપી શકીએ નહીં. અલબત્ત તમે તમારી જાતને પ્રમોટ કરી શકો છો.  જો હાઈકોર્ટ તમારી વાત સાંભળી રહી છે તો અમે તેમાં શા માટે સામેલ થઈએ.” જેના જવાબમાં પટવાલિયાએ કહ્યું કે, આવી સ્થિતિમાં તો આગામી મતદાનની તારીખ 1લી જૂન પણ વીતી જશે. કૃપા કરીને મારી વાત સાંભળો.” જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે, “આવી વધુ જાહેરાતોથી મતદારોને નહીં પરંતુ માત્ર તમને જ ફાયદો થશે.”

જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે, મહેરબાની કરીને અહીં કેસ ન ચલાવો. બિનજરૂરી મામલાઓની જરૂર નથી. એમ નથી કહી તહયો કે ચૂંટણી ન લડો. માફ કરશો અમે ઇચ્છુક નથી. ત્યારે પટવાલિયાએ કહ્યું કે, “તેઓ અરજી પાછી ખેંચવા માંગે છે.” કોર્ટે જેને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે ભાજપને કહ્યું કે તમારો વિરોધી તમારો દુશ્મન નથી.

શું છે સમગ્ર મામલો?

TMCએ ભાજપની જાહેરાતોને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવી હતી. TMCએ દાવો કર્યો હતો કે, ભાજપે તેની જાહેરાતમાં પાર્ટી અને કાર્યકરો પર ખોટા આરોપો લગાવ્યા છે. મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો. ત્યારે ચૂંટણી પંચે ભાજપને નોટિસ પાઠવીને કહ્યું હતું કે, આવી જાહેરાતો મીડિયામાં પ્રકાશિત ન થવી જોઈએ. આ પછી મામલો કલકત્તા હાઈકોર્ટની સિંગલ બેંચમાં પહોંચ્યો હતો. જેના પર કોર્ટે 4 જૂન સુધી પ્રતિબંધ મૂક્યો છે. ભાજપે અપીલ દાખલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી.

આ પણ જુઓ: કેજરીવાલે વચગાળાના જામીન વધુ 7 દિવસ લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

Back to top button