પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ડબલ થશે તમારા પૈસાઃ સરકારે વધાર્યા વ્યાજદર


પોસ્ટઓફિસની સ્કીમમાં કિસાન વિકાસ પત્ર લોકોની વચ્ચે ખુબ જ પોપ્યુલર છે. તાજેતરમાં સરકારે આ સ્કીમના વ્યાજદર વધાર્યા છે. કેન્દ્રે સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર મળતા વ્યાજદરમાં 1.10 ટકા સુધીનો વધારો કર્યો છે. જો હાલમાં તમે કોઇ રોકાણનો પ્લાન કરી રહ્યા છો તો કિસાન વિકાસ પત્રને વિકલ્પના રૂપમાં પસંદ કરી શકો છો. પોસ્ટ ઓફિસની આ સ્કીમ પહેલાની તુલનામાં હવે વધુ ફાયદાકારક બની ચુકી છે. કેમકે તેમાં ઇન્વેસ્ટ કરાયેલી રકમ 120 મહિનામાં ડબલ થઇ જશે.
મેચ્યોરિટી પીરિયડ
કેન્દ્ર સરકારે વ્યાજદર વધાર્યા પછી 1 જાન્યુઆરી 2023 બાદથી હવે કિસાન વિકાસ પત્રના રોકાણકારોના પૈસા 123 મહિનાના બદલે 120 મહિનામાં ડબલ થઇ જશે.વ્યાજદરમાં વધારા બાદ કિસાન વિકાસ પત્રમાં ઇન્વેસ્ટમેન્ટ પર 7.20 ટકાના દરે વ્યાજ મળશે, આ પહેલા આ યોજના હેઠળ સાત ટકા વ્યાજ મળતુ હતુ. નવા પરિવર્તનો બાદ હવે મેચ્યોરિટી 10 વર્ષમાં થઇ જશે.
પોસ્ટઓફિસના કિસાન વિકાસ પત્રમાં તમે માત્ર 1000 રુપિયાથી શરૂઆત કરી શકો છો. ત્યારબાદ 100 રુપિયાના મલ્ટીપલમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ યોજનામાં રોકાણની કોઇ મેક્સિમમ લિમિટ હોતી નથી. તે હેઠળ સિંગલ અને જોઇન્ટ એકાઉન્ટ ખોલવામાં આવે છે. આ સાથે રોકાણકારને નોમિનીની સુવિધા મળે છે.
કેવી રીતે ખુલશે ખાતુ
કિસાન વિકાસ પત્ર યોજનામાં 10 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિનું એકાઉન્ટ પણ ખુલી શકે છે. આ રીતે કોઇ વયસ્ક પણ ખાતુ ખોલાવી શકે છે. 10 વર્ષથી નાની ઉંમરના બાળકનું ખાતુ ખુલ્યા બાદ તે બાળકની ઉંમર 10 વર્ષ થાય પછી તેના નામે ખાતુ ટ્રાન્સફર કરી દેવાય છે.
મળે છે સર્ટીફિકેટ
આ સ્કીમમાં એકાઉન્ટ ખોલાવવુ ખુબ જ સરળ છે. આ માટે તમે પોસ્ટઓફિસમાં જમા રિસીપ્ટ સાથે અરજી કરી શકો છો. પછી તે રકમ કેશમાં, ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ કરી શકો છો. તેની સાથે તમારે ઓળખ પત્ર પણ જોડવુ પડશે. ત્યારબાદ અરજી અને પૈસા જમા કરતા જ તમને કિસાન વિકાસ પત્રનું સર્ટિફિકેટ મળી જશે. પોસ્ટઓફિસમાં રોકાણની રકમ સુરક્ષિત રહે છે. તેથી મોટી સંખ્યામાં લોકો તેની સ્કીમમાં રોકાણ કરે છે.