ઉત્તર ગુજરાતગુજરાત

“આપની સરકાર આપના દ્વાર”, બનાસકાંઠા કલેકટરે યોજી રાત્રિ સભા

  • પાલનપુરના ઢેલાણાની અનુપમ પ્રાથમિક શાળામાં કરાયું હતું આયોજન
  • સરકારની વિવિધ યોજનાઓથી લોકોને કરાયા માહિતગાર

પાલનપુર : શિક્ષણ અને જાગૃતિના અભાવે ગ્રામિણ વિસ્તારોમાં લોકો કેટલીક સરકારી યોજનાઓ વિશે પૂરતા માહિતગાર હોતા નથી અને તેથી સરકારી યોજના અભણ લોકો સુધી પહોંચી શકતી નથી ત્યારે જરૂરિયાતમંદ લોકો આ લાભથી વંચિત ન રહી જાય એ માટે “આપની સરકાર આપના દ્વાર” લોકાભિમુખ અભિગમ થકી લોકોના પ્રશ્નોના નિરાકરણ અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવાના ઉદેશથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાત્રિ સભા યોજી લોકોને માહિતગાર કરવાનું અભિયાન હાથ ધરાયુ છે. જે અંતર્ગત પાલનપુર તાલુકાના ઢેલાણા ગામે અનુપમ પ્રાથમિક શાળા ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઇ હતી.

જેમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે, સમાજ કલ્યાણ વિભાગ, ખેતીવાડી વિભાગ, વન વિભાગ, આરોગ્ય વિભાગ, યુ.જી.વી.સી.એલ. વિભાગ, આઈ.સી.ડી.એસ.વિભાગ, પશુપાલન, બાગાયત સહિતના વિભાગો તેમજ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી દ્વારા મળતી વિવિધ સરકારી યોજનાઓનું માર્ગદર્શન આપી તેનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો હતો. આ પ્રસંગે અધિકારીઓ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળી ગામલોકોને વૃદ્ધ સહાય યોજના, આયુષ્માન કાર્ડ, વિધવા પેન્શન, સરકારી આવાસ યોજના, મિશન મંગલમ યોજના, સખી મંડળ, ગંગા સ્વરૂપા યોજના, ઇ-ધરા અંતર્ગત જમીનના દસ્તાવેજોને લગતી કામગીરી, સંકટ મોચન યોજના, પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના સહિતનો લાભ કઈ રીતે લાભાર્થીઓને મળે તે માટે લોકોને વિસ્તૃત માર્ગદશન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ગામલોકોને વ્યસનથી દૂર રહી વ્યસનમુક્ત બનવા, નાની ઉંમરમાં ગુટખા, બીડી, તમાકુ, દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી.

કલેકટર-humdekhengenews

બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા ગામના સરપંચ, તલાટી અને આગેવાનોને ગ્રામજનોની સુખાકારી માટેની સરકારની વિવિધ યોજનાઓનો લાભ કોઈપણ જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને મળે એવી સૂચનાઓ આપી ગ્રામસભા યોજવા અને તેના દ્વારા લોકસંપર્ક કરી છેવાડાના લોકો સુધી સરકારની સહાય અને યોજના પહોંચે એ પ્રકારની કામગીરી કરવા સૂચન કરાયું હતું.

આ પણ વાંચો : પાલનપુર : ડીસા કોલેજમાં 250 વિદ્યાર્થીઓએ તમાકુ નિષેધની લીધી પ્રતિજ્ઞા

Back to top button