લાઈફસ્ટાઈલહેલ્થ

તમારું બાળક માથું દુ:ખવાની કરે છે ફરિયાદ…? જાણો વાલીઓએ શું કરવું જોઈએ

Text To Speech

વિજ્ઞાન આજે ઘણું વિકસ્યું છે અને એની સાથે-સાથે આજનો માનવી પણ. ફક્ત એક દસકામાં જ જાણે દુનિયા ઘણી બદલાઈ ગઈ હોય એવું લાગે. 10 વર્ષ પહેલાં નાના બાળકના ઉછેરમાં અને આજે તેના ઉછેરમાં જાણે એક જનરેશન જેટલો ગેપ આવી ગયો હોય એવું લાગે. આજનું બાળક જેટલાં ગેજેટ્સ સાથે રમતું હોય છે; ટેલિવિઝન, ઇન્ટરનેટ, અને સ્માર્ટ ફોનની દુનિયાથી તેને જે પ્રકારનું એક્સપોઝર મળી રહ્યું છે એ પહેલાં હતું નહીં. એની સાથે-સાથે એ એક્સપોઝરને કારણે થતા પ્રોબ્લેમ્સ પણ નહોતા.

આજની 40-50 વર્ષની વ્યક્તિને પૂછો કે તમે ક્યારેય સાંભળ્યું છે કે બાળકને માથું દુખે છે? મોટા ભાગનાનો જવાબ હશે, ના! કારણ કે તેમણે જે બાળકને મોટાં કર્યા છે તેમને આ પ્રકારની તકલીફ ક્યારેય થઈ નહોતી, પરંતુ આજકાલના પેરન્ટ્સમાંથી ઘણા મળી આવશે જેમના બાળકને માથાનો દુખાવો થાય છે અને એનાથી પણ વધારે કહીએ તો ઘણાં બાળકોને નાનપણથી માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય છે. ખાસ કરીને મહાનગરોનાં સ્કૂલ જતાં બાળકોમાં આ પ્રોબ્લેમ વધતો ચાલ્યો છે, જે વિશે સંમતિ આપતાં ક્ધસલ્ટિંગ ન્યુરોલોજિસ્ટ ડો. કહે છે, ‘બાળકોમાં માઇગ્રેન આજથી દસ વર્ષ પહેલાં ભાગ્યે જ જોવા મળતી તકલીફ હતી, જ્યારે આજે બાળકોમાં એ અનકોમન રહી નથી. ભલે એ શરદી-ખાંસી જેવી કોમન બીમારી નથી, પરંતુ પહેલાં કરતાં એનો વ્યાપ અત્યારે ઘણો વધારે છે.’

બાળકોમાં માઇગ્રેન : માઇગ્રેન એક ર્દીઘકાલીન એટલે કે લાંબા ગાળા સુધી ચાલતો ન્યુરોલોજિકલ ડિસઑર્ડર છે, જેમાં મગજની એક બાજુ કે બન્ને બાજુ સામાન્યથી લઈને તીવ્ર દુખાવો થતો હોય છે. આમ જોઈએ તો માઇગ્રેન ખૂબ જ કોમન રોગ છે, જે ભારતમાં 15થી 20% લોકોમાં જોવા મળે છે. દુનિયામાં સૌથી વધુ અક્ષમતા લાવનાર રોગોમાં માઇગ્રેનનું સ્થાન 20મું છે. બાળકોમાં જે માઇગ્રેન જોવા મળે છે એ મોટા ભાગે પુખ્ત વયના લોકોમાં જોવા મળતા માઇગ્રેન જેવો જ હોય છે, પરંતુ એમાં થોડો ફરક પણ છે. ડો. મનોજ રાજાણી સમજાવતાં કહે છે, ‘માઇગ્રેનનો દુખાવો કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિને બેથી લઈને 72 કલાક સુધી થતો હોય છે, જ્યારે બાળકમાં એ જરૂરી નથી કે આટલા લાંબા સમય માટે આ દુખાવો થાય. ઘણી વખત બાળકને માઇગ્રેનનો દુખાવો પાંચથી 10 મિનિટ સુધી જ થાય. આ કન્ડિશનમાં એ સમજવું કે બાળકને માઇગ્રેન હોઈ શકે છે એ ઘણું અઘરું છે. આ ઉપરાંત ઘણી વખત માઇગ્રેનમાં બાળકને માથાના બદલે પેટમાં દુખાવો થતો હોય છે, જે પુખ્ત વયના લોકોમાં જોવા મળતો નથી.’

ડાયગ્નોસ કરવું અઘરું : બાળકનું માઇગ્રેન ડાયગ્નોસ કરવામાં નડતા મુખ્ય પ્રોબ્લેમ વિશે જણાવતાં ડો. કહે છે, ‘બાળકને માથાનો દુખાવો થતો હોય ત્યારે તે રડે કે કોઈ પણ રીતે રીઍક્ટ કરે, પણ પેરન્ટ્સને કહી ન શકે કે મને માથામાં દુખાવો થઈ રહ્યો છે તો એ સમજવું મુશ્કેલ છે. વળી દુખાવો થોડા સમયનો હોય તો પેરન્ટ્સ એને સિરિયસલી લેતા નથી, અવગણી દે છે કે થયું હશે કશું. આમ અવગણી દેવાથી ખબર જ નથી પડતી કે બાળકને માઇગ્રેન છે અને તેને ઇલાજની જરૂર છે. આમ બાળકને વધુ સહન કરવું પડે છે. માઇગ્રેન સિવાય ખૂબ શરદી-ઉધરસ થયાં હોય, મગજમાં કોઈ જાતનું ઇન્ફેક્શન થયું હોય અથવા કોઈ માનસિક પ્રોબ્લેમ હોય, ટયુમર હોય અથવા કોઈ મેટાબોલિક પ્રોબ્લેમ હોય, બ્લડ-પ્રેશર વધી ગયું હોય, અથવા ખૂબ સ્ટ્રેસ હોય તો પણ બાળકને માથાનો દુખાવો થઈ શકે છે. આથી જ્યારે કોઈ પણ બાળકને માથાનો દુખાવો થાય ત્યારે પ્રોપર ટેસ્ટ કરવી ખૂબ જરૂરી છે.’

કારણો : નાની ઉંમરમાં ભણવાનું, બીજી પ્રવૃત્તિઓ કરવાનું, પોતાની ઉંમરનાં બાળકો કરતાં આગળ રહેવાનું, કોમ્પિટિશનમાં જીતવાનું કે એમાં ટકી રહેવાનું – આવાં ઘણાંબધાં સ્ટ્રેસ આજકાલનાં બાળકોને હોય છે અને એ બધાં જ સ્ટ્રેસ તેમની હેલ્થ પર અસર કરે જ છે. આ ઉપરાંત ગેજેટ્સનું વધુ પડતું એક્સપોઝર પણ બાળકને માઇગ્રેન સુધી લઈ જાય છે એ સમજાવતાં ડો. મનોજ રાજાણી કહે છે, ‘આ બધા જ પ્રોબ્લેમ આજનું બાળક ફેસ કરે છે, જેને કારણે બાળકને પૂરતી ઊંઘ મળતી નથી, આંખો પર વધારે બર્ડન આવે, એટલે કે આંખો ખેંચાય કે પછી સ્ટ્રેસ ખૂબ વધી જાય છે, જેને કારણે માઇગ્રેનની શક્યતાઓ ખૂબ વધી જાય છે. જોકે નાની ઉંમરમાં માઇગ્રેન થવા પાછળનાં કારણોમાં મુખ્ય કારણ જિનેટિક જ છે. ઘરમાં કોઈને પણ માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય તો બાળકને આ પ્રોબ્લેમ થઈ શકે છે. આ કન્ડિશનમાં બાળકના જન્મથી જ મા-બાપે સાવચેતી રાખવી જરૂરી છે. આ રોગ વંશાનુગત છે.’

શું કરવું જોઇએ…? : માઇગ્રેનને કારણે દુ:ખાવાની સાથે-સાથે ચક્કર આવવાં, પેટમાં દુખાવો થવો, ઊલટી જેવું લાગવું, પ્રકાશ અને અવાજ તરફ વધુ સંવેદનશીલ થઈ જવું વગેરે પ્રોબ્લેમ્સનો પણ સામનો કરવો પડે છે. આ પ્રકારનાં કોઈ પણ લક્ષણો બાળકમાં જોવા મળે એને અવગણો નહીં અને તરત જ નિષ્ણાતનો સંપર્ક કરો. ખાસ કરીને કોઈ સ્મેલથી કે તીવ્ર પ્રકાશથી કે અવાજ તરફ તમારું બાળક કઈ રીતે રીઍક્ટ કરે છે? તેને કોઈ ખાસ તકલીફ થઈ રહી છે કે નહીં એ ઓબ્ઝવર કરો. જો તેને આવી કોઈ તકલીફ થતી હોય તો તેને એનાથી દૂર રાખો.

Back to top button