તમારા છોકરા પર જોખમ છે વિધિ કરવી પડશે કહી મદારીઓએ લાખોના દાગીના લૂંટ્યા
કાલોલ, 9 ફેબ્રુઆરી 2024, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં વિધિના નામે મદારીઓએ લાખો રૂપિયાની કિંમતના દાગીના પડાવી લીધા હોવાની ઘટના બની છે. ભોગ બનનાર વ્યક્તિએ કાલોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં ચાર મદારી સહિત પાંચ લોકોની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે. કરાનાના મુવાડા ગામે મદારીઓ સ્થાનિક વ્યક્તિને તમારા છોકરાને કંઈક થઈ જશે અને તે મરી જશે તેમ કહી વિધિ કરવાના બહાને ઘરના દાગીના લઈ ફરાર થઈ ગયા હતાં.
ઘડામાં દાગીના લાવીને મૂકશો તો વિધિ પૂર્ણ થશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે કાલોલ તાલુકાના કરાનાના મુવાડા ગામે ગામમાં મદારીનો ખેલ ચાલતો હતો. મદારીનો ખેલ દેખવા માટે ગામના લોકો ઉમટ્યા હતા. ત્યારબાદ સ્વૈચ્છિક રીતે લોકો મદારીઓને દાન આપતા હતા. આ દરમિયાન મદારી દ્વારા એક વ્યક્તિને અમને ચા પીવડાવશો તેમ કહી તેને વાતોમાં ભોળવીને તમારા છોકરાને બે દિવસમાં કંઈક થઈ જશે તેમ કહી માયાજાળમાં ફસાવીને એક વિધિ કરશો તો તે બચી જશે તેમ કહી ફોસલાવી લીધા હતાં. ત્યારબાદ આ વ્યક્તિના ઘરમાં મદારીઓ દ્વારા વિધિ કરતાં એક ઘડામાં દાગીના લાવીને મૂકશો તો વિધિ પૂર્ણ થશે તેમ કહી ઘરમાં દાગીના મૂકીને વિધિ કરી હતી અને બધા સભ્યોને ઘરની બહાર જવા જણાવ્યું હતું.
ઘડો ખોલતા તેમાં સોના ચાંદીના દાગીના ગાયબ હતા
મદારીઓએ વિધિ કર્યા બાદ જણાવ્યું હતું કે, આઠ દિવસ સુધી આ ઘડો ખોલવાનો નથી પરંતુ સમય વીતી જતા તે વ્યક્તિ દ્વારા મદારીને ફોન કરતા ફોન ન ઉપાડતા શંકા ગઈ હતી. ઘડો ખોલતા તેમાં સોના ચાંદીના દાગીના ગાયબ હતા. સ્થાનિક વ્યક્તિ દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસે તેના મોબાઈલ નંબર અને લોકેશન તેમજ અંગત બાતમીદારોને પૂછપરછ કરતા મદારીઓ બાલાસિનોર બાજુ હોવાનું જાણવા મળ્યું હતું. કાલોલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને મદારીઓને પકડી પાડ્યા હતાં તેમની પાસેથી દાગીના કબજે કર્યા હતાં.
આ પણ વાંચોઃભાવનગરમાં આંગણવાડીના ભૂલકાંઓ જર્જરીત દુકાનમાં ભણવા મજબૂર, વીડિયો વાયરલ