
શરીરને સ્વસ્થ રાખવા રોજિંદા ખોરાકમાંથી આપણને રોજની કમસેકમ 1200 કેલેરી મળવી જરૂરી છે. ડાયેટિશિયનો હંમેશા કહેતા હોય છે કે ખોરાક (ડાયટ)માં સંતુલન જાળવો. ઓવરઇટિંગ (વધુ પડતુ ખાવાથી) વ્યક્તિને આરોગ્ય (હેલ્થ)ની સમસ્યાઓ ઊભી થાય છે તો નિયમિતપણે અન્ડરઇટિંગ (ઓછું ખાવું) પણ વિવિધ પ્રકારની શારીરિક, માનસિક અને લાગણીની તકલીફોને આમંત્રણ આપવા બરાબર છે. સૌ જાણે છે કે, દેહના એન્જિનને સુચારુ રૂપે ચલાવવા પૂરતો ખોરાક લેવો બહુ મહત્ત્વનો છે, પરંતુ છેલ્લા કેટલાક વરસોથી યુવા વર્ગમાં ડાયટિંગનું ચલણ વધ્યું છે. તેઓ પૂરતુ ખાતા નથી. આવા લોકોએ જાણી લેવું જોઈએ કે પૂરતો ખોરાક ન લેવાથી શું થાય? કુપોષણ (માલન્યુટિશન)ની સમસ્યા ઊભી થાય, જેની ઘણી આડઅસર છે. આપણામાંથી મોટાભાગના લોકો જાણે છે કે વ્યક્તિ ખાઉધરી બનીને મેદસ્વિતા (ઓબેસિટી) નોતરે છે. આખો દિવસ ખા-ખા કર્યા કરવું આરોગ્ય માટે હાનિકારક છે. સિક્કાની જાણવા જેવી બીજી બાજુ એ છે કે તમે પૂરતો ખોરાક ન લઈને પણ તમારી તબિયત બગાડો છે.
આધુનિક તબીબી વિજ્ઞાાન કહે છે કે શરીરને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવા દરેકે દિવસમાં ત્રણ વાર યોગ્ય માત્રામાં અને સંતુલિત આહાર લેવો જોઈે. અંગ્રેજીમાં એને થ્રિ મિલ્સ અ ડેની થિયરી કહેવાય છે. ઘણા બધા લોકો પોતાની હેકટીક લાઈફસ્ટાઈલ અથવા તો ડાયટિંગને કારણે મિલ્સ સ્કીપ કરે છે (ટાળે છે). ખાસ કરીને યુવતીઓ પાતળી પરમાર થઈ પોતાના દેહને આકર્ષક બનાવવા ફેડ ડાયટસનું આંધળું અનુકરણ કરે છે, પરંતુ એક વાત સમજી લો કે મિલ્સ સ્કીપ કરવા હેલ્ધી થવાનું નથી. તમને વારંવાર ઇન્ફેક્શન્સ લાગશે કે તમે અવારનવાર બીમાર પડશો. તમારા શરીરની નબળી પડેલી ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ)ને કારણે આવું થાય છે. એટલે જ ન્યુટ્રિશયનો વારંવાર કહેતા આવ્યા છે કે ભૂખ્યા રહેવું ડાયટિંગનું અસરકારક સ્વરૂપ નથી. થોડા દિવસ ભૂખ્યા રહ્યા પછી તમે ઓવરઇટિંગ કરવા માંડશે એટલે તમારું વજન ઓછું થવાને બદલે ઉલ્ટાનું વધી જશે. આપણાં શરીરને રોજ કાર્બસ અને અન્ય માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ આપવા અનિવાર્ય છે. કારમાં ઇંધણ ખૂટી જાય તો શું થાય? એ બંધ પડી જાય. શરીરનું પણ એવું જ છે.
સવાલ એ છે કે આપણે રોજ પૂરતો ખોરાક નથી લેતાં એ કંઈ રીતે જાણવું? અપૂરતા ડાયટને લીધે શરીરમાં અમુક ખામીઓ સર્જાય છે, જેના સંકેતો આપણને તરત મળી જાય છે. શું છે એ સંકેતો ? આવો જાણીએ
1. બ્લડ સુગર ઘટે : આપણે ખાઈએ એટલે આપણું શરીર બોડીને ઊર્જા પૂરી પાડવા કાર્બસને ગ્લુકોઝમાં પરિવર્તિત કરવાનું શરૂ કરી દે છે. શરીરને બરાબર કામ કરતું રાખવા સતત ગ્લુકોઝના પુરવઠાની જરૂર પડે છે. વ્યક્તિ જ્યારે ભૂખી રહે છે ત્યારે શરીરને ગ્લુકોઝ નથી મળતું, જેને લીધે બ્લડ સુગર લેવલ એકદમ ઘટી જાય છે, એને લીધે વ્યક્તિને માથું દુખે છે, અશક્તિ વર્તાય છે, આળસ ચડે છે અને કોઈ કામમાં ધ્યાન નથી પરોવાતું. ઉપર-નીચે થતું બ્લડ સુગર લેવલ લાંબા ગાળે હૃદયરોગ નોતરે છે.
2. કબજિયાત : ભૂખ્યા રહેવાથી તમારુ શરીર ફાઇબર સહિતના પોષક તત્ત્વોથી વંચિત રહે છે અને શરીરને ફાઇબર ન મળવાથી કબજિયાત થાય છે. તમારે વારંવાર હાજતે જવું પડે છે અને ઝાડો કડક થઈ જાય છે.
3. અનિદ્રા : તમે પૂરતો ખોરાક ન લો એટલે તમારું શરીર ઊર્જા બનાવવા ગ્લુકોઝને બદલે ફેટ (ચરબી બાળવાનું શરૂ કરી દે છે. ઇન્સ્યુલિનનું લેવલ ઘટી જતાં તમારું શરીર વધુ પડતું સક્રિય થઈ ઓરેક્સિન નામનું દ્રવ્ય બનાવે છે, જે તમને તાત્પુરતિ એનર્જી (ઊર્જા) આપે છે. વળી, ભૂખ્યા રહેવા દરમિયાન તમારું મગજ તમારા શરીરને ેડ્રિલાનિનનું વધુ ઉત્પાદન કરવાનો સંકેત આપે છે. એને પરિણામે તમને ઊંઘ નથી આવતી.
4. વાળ ખરવા : વાળ મૂળત: પ્રોટિનથી બને છે. પરંતુ વાળને સ્વસ્થ રાખવા કેલ્સિયમ, આયર્ન અને મોનોસેચ્યુરેટેડ ફેટ્ટી એસિડની પણ જરૂર પડે છે. એ ન મળવાથી માથું સુકુ થઈ જાય છે અને વાળના મૂળ નબળાં પડી જતા વાળ ખરવા લાગે છે.
5. ચિંતા અને ગુસ્સો : વિવિધ અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે શરીરને બહુ ઓછી કેલેરી મળે ત્યારે ફિકર કરવાનું વધી જાય છે. બહુ ઓછી કેલેરી ધરાવતું ડાયટ લેતા સ્થુળ લોકોને પણ ચિંતાની તકલીફ રહે છે. તમારા શરીરને ગરમી પેદા કરી શરીરનું હેલ્ધી ટેમ્પરેચર (તાપમાન) જાળવા અમુક પ્રમાણમાં કેલેરી બાળવી પડે છે એટલે તમે પૂરતો ખોરાક ન લો તમને કાયમ ઠંડી લાગ્યા કરવાની શક્યતા રહે છે.
6. સતત ભૂખ લાગવી : કોઈને જો આખો દિવસ ભૂખ લાગ્યા કરે તો એણે સમજી જવું જોઈએ કે હું પુરતો ખોરાક નથી લેતો. ખોરાક ઘટવાથી તમારા શરીરમાં કેલેરી ઇન્ટેક ઓછું થઈ જાય છે અને તમારું મગજ શરીરને સતત એના સંદેશા મોકલ્યા કરે છે. એને લીધે તમને આખો દિવસ ભૂખ સતાવ્યા કરે છે.