ભારતીય યુવા કરોડપતિઓનો લેમ્બોર્ઘીની અને મર્સિડીઝ પ્રત્યેનો ક્રેઝ!

નવી દિલ્હી, 22 માર્ચઃ ભારતીય યુવા કરોડપતિઓનો લેમ્બોર્ઘીની અને મર્સિડીઝ પ્રત્યેનો ક્રેઝને કારણે ભારતમાં લક્ઝરી કારની માંગ ઝડપથી વધી રહી છે અને તેનું સૌથી મોટુ ઉદાહરણ લેમ્બોર્ઘીનીનું વેચાણ છે. 2027 સુધીમાં લેમ્બોર્ઘીની કાર બુક થઇ ગઇ છે. જ્યારે દુનિયાભરમાં લક્ઝરી કારનું બજાર ધીમી ગતિએ છે ત્યારે ભારતમાં આ સેગમેન્ટ ઝડપથી આગળ વધી રહ્યુ છે. લેમ્બોર્ઘીનીના સીઇઓ સ્ટીફન વિંકલમેનએ આ બાબતની પુષ્ટિ કરતા જણાવ્યુ હતુ કે ભારતમાં યુવા શ્રીમંત ગ્રાહકોને કારણે કંપનીને જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે.
ભારતમાં સૌથી યુવા ખરીદનાર
વિંકલમેનના મતે ચીન પછી ભારત એવો દેશ છે જ્યાં લેમ્બોર્ઘીની ખરીદનારા ગ્રાહકોની સરેરાશ ઉંમર સૌથી ઓછી છે. તેની પાછળના બે મોટા કારણો છે – એક તો ભારતમાં યુવાનોની મોટી વસ્તી છે અને બીજુ સ્ટાર્ટઅપ કલ્ચરના વિકાસને કારણે નવા સમૃદ્ધ ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં આગળ આવી રહ્યા છે. સ્ટાર્ટઅપના સ્થાપકો અને ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ હવે સુપર લક્ઝરી કાર પર ભરપૂર ખર્ચ કરી રહ્યા છે, જેના કારણે આ સેગમેન્ટમાં ભારે તેજી આવી છે.
લેમ્બોર્ઘીની ભારતમાં ત્રણ મુખ્ય મોડલ વેચે છે – Huracan, Urus અને Revuelto. આ કારની કિંમત રૂ. 4 કરોડથી શરૂ થઇને રૂ. 8.89 કરોડ સુધીની છે, જે તેમને અલ્ટ્રા-લક્ઝરી સેગમેન્ટમાં મૂકે છે. આ કાર સંપૂર્ણપણે આયાત કરવામાં આવી હોવાથી, તે 100 ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે, જે તેમની કિંમતમાં વધુ વધારો કરે છે. તેમ છતાં, ભારતના સમૃદ્ધ ખરીદદારોમાં આ બ્રાન્ડની લોકપ્રિયતા સતત વધી રહી છે.
કોવિડ પછી વેચાણમાં જબરદસ્ત ઉછાળો
કોવિડ રોગચાળા પછી, ભારતમાં સુપર લક્ઝરી કારના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો છે. આ આંકડો 2024માં 1,200થી 1,300 યુનિટ સુધી પહોંચી ગયો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં બમણો થયો હોવાનું દર્શાવે છે. લેમ્બોર્ઘીનીએ ફક્ત 2023માં 113 યુનિટ વેચ્યા હતા, જે 2022 કરતા 10 ટકા વધુ હતા. કંપનીને અપેક્ષા છે કે 2025માં પણ આ જ ગતિએ વેચાણ વધશે.
મર્સિડીઝ-મેબેક પણ ભારતમાં જબરદસ્ત વૃદ્ધિ જોઈ રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, મેબેક માટે ભારત પહેલેથી જ ટોપ-10 માર્કેટમાંનું એક બની ગયું છે અને ભવિષ્યમાં તે ટોપ-5માં પહોંચી શકે છે. મર્સિડીઝ-મેબેકે 2023માં 500 યુનિટોનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષ કરતાં 145% વધુ હતું.
એક અહેવાલ અનુસાર, લેમ્બોર્ઘીનીના સીઈઓનું માનવું છે કે ઓછા ટેક્સ અને ચડીયાતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતમાં લક્ઝરી કાર માર્કેટ ઝડપથી વધી શકે છે. તેમનું કહેવું છે કે નવી પેઢી લક્ઝરી કારમાં મોકળુ મન ધરાવે છે, જેના કારણે આ સેગમેન્ટ ભવિષ્યમાં વધુ વૃદ્ધિ પામશે.
આ પણ વાંચોઃ શું ડોનાલ્ડ ટ્રંપના રેસિપ્રોકલ ટેરિફથી મોંઘા થશે iPhone!