દ્વારકામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા
દેવભૂમિ દ્વારકામાં રહેતા 22 વર્ષના એક યુવાનને એક સગીરા સાથે ફ્રેન્ડશીપ હોવાની શંકાથી ટીવી સ્ટેશનમાં રહેતા સગીરાના પિતા દ્વારા પછાડી દઇને હેમરેજ જેવી ઇજાઓ પહોંચાડતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો. જેથી આ યુવાનની માતાએ હુમલાખોર શખ્સ સામે હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. દરમિયાન યુવાનનું સારવારમાં મોત થયું હતું જેથી બનાવ હત્યામાં તબદીલ થયો છે અને પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.
યુવકને બાઈક ઉપરથી પછાડી દીધો હતો
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં આવેલી પીડબલ્યુડી કોલોની ખાતે રહેતા નર્મદાબેન શામજીભાઇ વાલજીભાઇ જેઠવા નામના મહિલાએ આ વિસ્તારમાં રહેતા જેસલ ગઢવી નામના શખ્સ સામે અગાઉ નોંધાવેલી હત્યાના પ્રયાસની પોલીસ ફરિયાદમાં જાહેર થયું હતું કે તેણીનો 22 વર્ષનો પુત્ર હાર્દિક ગોવિંદભાઇ બારીયા ગત શુક્રવારે બપોરના સમયે ટીવી સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળા પાસેથી પોતાના મોટરસાયકલ પર બેસીને જઇ રહ્યો હતો, ત્યારે જેસલ ગઢવી નામના શખ્સે રોકીને તેને ઉપાડીને નિર્દયતાપૂર્વક પછાડી દીધો હતો.
સારવારમાં યુવાનનું મોત નીપજ્યું
આ રીતે હુમલો કરવાથી હાર્દિક બારીયાને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચાડતા મૂર્છિત હાલતમાં જામનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી હતી. દરમિયાન ત્યાં તેનું સારવારમાં મોત થયું હતું. જેથી બનાવ હત્યામાં તબદીલ થયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ
આ અંગેની પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું કે, હાર્દિકને એક સગીરા સાથે મિત્રતા હોવાની શંકાથી ઉશ્કેરાયેલા જેસલ ગઢવીએ હુમલો કર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે નર્મદાબેન જેઠવાની ફરિયાદ પરથી જેસલ ગઢવી સામે આઇપીસી કલમ 323, 325, 352, 307, 308 તથા એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન હાર્દિકનું મોત થઈ જતા બનાવ હત્યામાં તબદીલ થયો છે. જેને કારણે હવે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.