ડીસાના રાજપુર વ્હોળામાં લીમડાનું ડાળુ મારીને યુવકની હત્યા કરી, પોલીસે ગુનો નોંધ્યો
પાલનપુરઃ 02 ઓગસ્ટ 2024, ડીસા શહેરના રાજપુર વ્હોળા વિસ્તારમાં આવેલા લોધા સમાજના સ્મશાનમાં મોડી રાત્રે એક યુવકની હત્યા થઈ હતી. ગાળો બોલવાની બાબતમાં બે યુવકો ઝઘડતા એક યુવકે લીમડાનું ડાળુ મારી બીજા યુવકનું મોત નિપજાવ્યું હતું.ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લીમડાના ડાળા વડે ઉપરાઉપરી ઘા મારી તેની હત્યા કરી
ડીસા શહેરના રાજપુર વ્હોળા વિસ્તારમા રહેતા વિજય બાબુલાલ લોધાનો ભાઈ સુરેશ છેલ્લા કેટલાય સમયથી છૂટક મજૂરી કરી એકલવાયું જીવન જીવતો હતો. તે રાત્રે લોધા સમાજના સ્મશાનમાં બાંકડા પર જ પડ્યો રહેતો હતો. જેમાં ગઈકાલે પણ મોડી રાત્રે આ જ વિસ્તારમાં રહેતો સતીષ ભોગીલાલ લોધા ત્યાંથી નીકળતા સુરેશે તેને બેફામ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું અને લીમડાનું મોટું ડાળું લઈ તેને મારવા આવ્યો હતો. જેથી સતીસે ખસી ગઈ ત્યાં પડેલો પથ્થર લઈ સુરેશના માથામાં માર્યો હતો અને બાદમાં લીમડાના ડાળા વડે ઉપરાઉપરી ઘા મારી તેની હત્યા કરી હતી.
ગુનો દાખલ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
જે બાબતની જાણ થતા વિજય લોધા તેના સગા સંબંધીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યો અને ત્યાં જોતા સ્મશાનના બાંકડા પર તેના ભાઈની લાશ પડી હતી. જેથી તે તાત્કાલિક પોલીસ મથકે પહોંચતા ત્યાં સતીશ લોધા પોલીસ મથકે હાજર થયેલો જણાયો હતો. જેને પોલીસને ઝઘડા વિશેની સઘળી હકીકત જણાવી હતી. જેથી ડીસા શહેર દક્ષિણ પીઆઇ કે.બી.દેસાઈ સહિત સ્ટાફે ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપી હતી. જ્યારે હત્યા કરનાર સતીષ લોધાની વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા : ડીસામાં જાહેરમાં મારામારી કરવા આવેલા લોકોનો વિડીયો વાયરલ