ગુજરાત

અમરેલીઃ વ્હોટ્સએપ પર બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકીથી યુવક ડરી ગયો, ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

Text To Speech

અમરેલીના વડિયા તાલુકાના ખજૂરી પીપળિયા ગામમાં સોશિયલ મીડિયાના દુરુપયોગનો ભોગ બનનાર યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ  સોશિયલ મીડિયાના માધ્યમનો દુરુપયોગ કરી બાદમાં બીભત્સ વીડિયોના આધારે તેને બ્લેકમેઇલ કરી નાણાં પડાવવાનો પ્રયાસ થકો હતો. આટલું જ નહીં વારંવાર વીડિયો વાઇરલ કરવાની ધમકી અપાતાં આ યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું છે. અમરેલી પંથકમા આ પ્રકારે બ્લેકમેઇલિંગનું મોટું નેટવર્ક ચાલે છે. વ્હોટ્સએપ કોલ પર યુવતી કપડાં કાઢવાનું કહે તો ચેતી જવું અને આ પ્રકારના ફોન તરત કાપી નાખવા.

ડાયરી અને મોબાઇલમાંથી સુસાઇડ નોટથી થયો ખુલાસો
વડિયા પોલીસે આ કેસમાં અનુ સિંધી નામની યુવતી તથા એક અજાણ્યા મોબાઇલધારક સામે ગુનો નોંધ્યો છે. ખજૂરી પીપળિયા ગામના જગદીશ ભીખાભાઇ પરમાર (ઉં.વ.38)એે 23મી તારીખે પોતાની વાડીએ જઇ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. જે-તે સમયે યુવકના ગળાફાંસો ખાવાનું કારણ સ્પષ્ટ થયું ન હતું, પરંતુ બાદમાં પરિવારજનો દ્વારા યુવકની ડાયરી અને મોબાઇલના સોશિયલ મીડિયાની ચેટની તલાશી લેવામાં આવતાં સુસાઇડ નોટ મળી હતી.

મને એક છોકરી બ્લેકમેઇલ કરે છે: મૃતક જગદીશ
મૃતક જગદીશે ડાયરીના બે પેજમાં લખેલી સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મને એક છોકરી બ્લેકમેઈલ કરે છે, જેનું નામ અનુ સિંધી છે અને મારો ઓપન વીડિયો અપલોડ કરે છે, જેને કારણે હું મરી જાઉં છું. આ યુવકના સોશિયલ મીડિયાની ચેટ ચેક કરાતાં એક મોબાઇલ નંબર પરથી તેનો નગ્ન વીડિયો વાઇરલ કરવાનો મેસેજ કરાયો હતો અને પૈસે કબ ભેજ રહે હો, પેમેન્ટ કા કયાં હુઆ, વીડિયો ડિલિટ કર દુ યા અપલોડ કર દુ જેવા મેસેજ કરાયેલા હતા.

જગદીશને બીભત્સ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી
અનુ સિંધી નામની યુવતી અને મોબાઇલમા મેસેજ કરનાર શખસ દ્વારા તેને અવારનવાર બ્લેકમેઇ કરી માનસિક રીતે પરેશાન કરવામા આવતો હતો અને બીભત્સ વીડિયો વાઇરલ કરવાની ધમકી અપાતી હોવાથી તેણે ગળાફાંસો ખાવાનું પગલું ભર્યું હતું. વધતા સાયબર ક્રાઇમ વચ્ચે આ વિસ્તારના યુવાનોને ફસાવી તેના બનાવટી નગ્ન વીડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપી નાણાં પડાવવાની ઘટનાઓ ટપોટપ સામે આવી રહી છે.

પોલીસના હાથ ક્યાં ટૂંકા પડે છે ?
આવી છેતરપિંડીનો ભોગ બનેલા લોકો બદનામીના ડરથી ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે, જેને કારણે પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે. વળી, આવું નેટવર્ક દેશના દૂરસુદૂરનાં રાજયોમાંથી ચલાવાતું હોવાથી પોલીસને ત્યાં પહોંચવું મુશ્કેલ બને છે.

સાવરકુંડલાના અનેક લોકો આ નેટવર્કની જાળમાં ફસાયા
તાજેતરમા જ સાવરકુંડલા પંથકના જુદા જુદા બે આગેવાનોના બીભત્સ વીડિયો સોશિયલ મીડિયામા આ રીતે વાઇરલ કરાયા હતા. એટલું જ નહીં, સાવરકુંડલાના 15થી વધુ યુવાનો આવા નેટવર્કની જાળમાં ફસાયા હોવાનું કહેવાય છે.

વીડિયો મોર્ફ કરી બ્લેકમેઇલિંગ કરાય છે
ચીટર ગેંગ સોશિયલ મીડિયાના માધ્યમથી શિકાર શોધે છે. જે-તે યુવકના મોબાઇલ પર વીડિયો કોલ કરવામાં આવે છે અને નોર્મલ વાતચીત કરવામા આવે છે, પરંતુ બાદમાં તેમની આ વાતચીતના વીડિયોને મોર્ફ કરી બીભત્સ વીડિયો બનાવી તેના આધારે બ્લેકમેઇ કરાઇ છે.

બે મોબાઇલ નંબર નેટવર્કનો ભેદ ખોલશે
મૃતક જગદીશે આપઘાત કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટમાં બે મોબાઇલ નંબર લખ્યા હતા, જેના પરથી કોલ તથા ચેટ કરી તેને બ્લેકમેઇલ કરવામાં આવતાં હતાં. આ બે મોબાઇલ નંબરના આધારે પોલીસને સમગ્ર નેટવર્કનો ભેદ ખોલવામાં સરળતા રહેશે, જે પૈકી એક નંબર પોલીસનો હોવાની ખોટી ઓળખ પણ અપાઈ હતી.

Back to top button