- શહેર અને જિલ્લામાં કુલ 31680 દસ્તાવેજો થયા
- આગામી તા.15મી એપ્રિલથી સબ રજિસ્ટ્રાર કચેરીઓ ખુલશે
- હવે શહેરમાં નવી જંત્રીથી દસ્તાવેજો કરાશે
વડોદરામાંથી રાજ્ય સરકારને સ્ટેમ્પ ડયૂટી પેટે રૂા. 288 કરોડની આવક થઈ છે. જેમાં ફેબ્રુઆરીમાં 10491, માર્ચમાં સૌથી વધુ 15250 અને એપ્રિલમાં 7504 દસ્તાવેજો થયા છે. તેમાં શહેર અને જિલ્લામાં કુલ 31680 દસ્તાવેજો થયા છે. આજે આંબેડકર જયંતી હોવાથી તંત્રની રજા છે. તથા આગામી તા.15મી એપ્રિલથી સબ રજિસ્ટ્રાર કચેરીઓ ખુલશે અને નવી જંત્રીથી દસ્તાવેજો કરાશે.
આ પણ વાંચો: અમદાવાદ: રૂ.1,800 કરોડના સટ્ટાકાંડ મામલે થયા મોટા ખુલાસા
12 વર્ષ બાદ ગત ફેબ્રુઆરી મહિનામાં નવી જંત્રી લાગુ કરી
રાજ્ય સરકારે 12 વર્ષ બાદ ગત ફેબ્રુઆરી મહિનામાં નવી જંત્રી લાગુ કરી હતી. જોકે, વિવાદ થતા નવી જંત્રીનો અમલ તા.14મી એપ્રિલ સુધી મોકૂફ રાખ્યો હતો અને તા.15મી એપ્રિલથી નવી જંત્રી લાગુ થવાની છે. જોકે, આજે તા.14મી એપ્રિલ હોવા છતાં જૂની જંત્રીથી દસ્તાવેજો નહીં કરી શકાય, કારણ કે, આજે આંબેડકર જયંતિ છે અને સબ રજિસ્ટ્રારની કચેરીઓ બંધ છે. જોકે, નવી જંત્રી મોકૂફ રખાઈ તે છેલ્લા 44 દિવસના સમયગાળામાં વડોદરા શહેર અને જિલ્લામાં 31680 દસ્તાવેજ થતા રાજ્ય સરકારને સ્ટેમ્પ ડયુટી પેટે રૂ. 288.76 કરોડની આવક થઈ છે.
ગઈ તા. 4થી ફેબ્રુઆરીના રોજ સરકારે નવી જંત્રીની જાહેરાત કરી
2011માં જંત્રીના દરો લાગુ કરાયા હતા અને એ પછી 12 વર્ષે રાજ્ય સરકારે નવી જંત્રી જાહેર કરી હતી. ગઈ તા. 4થી ફેબ્રુઆરીના રોજ સરકારે નવી જંત્રીની જાહેરાત કરી હતી અને તેને ગત તા. 6ઠ્ઠી ફેબ્રુઆરીના રોજથી અમલી કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ગઈ તા.1લી ફેબ્રુઆરીથી 6ઠ્ઠી ફેબ્રુઆરી સુધીમાં કુલ 2412 દસ્તાવેજ થયા હતા અને તેનાથી સ્ટેમ્પ ડયુટી પેટે સરકારી તિજોરીમાં કુલ રૂ. 16.57 કરોડની આવક થઈ હતી. જોકે, વિસંગતાઓને કારણે વિવાદ સર્જાયો હતો અને રાજ્યભરમાંથી બિલ્ડરોના એસોસિએશન દ્વારા વિરોધ પ્રગટ કરીને છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઈ હતી. એ પછી નવી જંત્રીનો અમલ 45 દિવસ એટલે કે આગામી તા. 14મી એપ્રિલ સુધી મોકૂફ રાખ્યો હતો. એટલે કે નવી જંત્રીનો અમલ 15મી એપ્રિલથી થવાનો છે. ત્યાં સુધી જૂની જંત્રીથી દસ્તાવેજો થવાના છે.
તા.7મી ફેબ્રુઆરીથી 28મી ફેબ્રુઆરી સુધીમાં 8079 દસ્તાવેજો થતા રૂ.62.32 કરોડની સ્ટેમ્પ ડયુટીની આવક થઈ
જોકે, તા.7મી ફેબ્રુઆરીથી 28મી ફેબ્રુઆરી સુધીમાં 8079 દસ્તાવેજો થતા રૂ.62.32 કરોડની સ્ટેમ્પ ડયુટીની આવક થઈ હતી. જ્યારે માર્ચ મહિનામાં 15250 દસ્તાવેજ થતા સ્ટેમ્પ ડયુટી પેટે રૂ.126.27 કરોડની આવક થઈ હતી. જ્યારે તા.1લી એપ્રિલથી 6ઠ્ઠી એપ્રિલ સુધી 3702 દસ્તાવેજો થતા રૂ.48.21 કરોડની સ્ટેમ્પ ડયુટીની આવક થઈ હતી. જ્યારે ગઈ તા.7 એપ્રિલથી 12 એપ્રિલ સુધીમાં 3802 દસ્તાવેજ થયા હતા અને રૂ.49.66 કરોડની સ્ટેમ્પ ડયુટી પેટે આવક થઈ હતી.
આમ તા.1લી એપ્રિલથી આજે તા.13મી એપ્રિલ સુધીમાં કુલ 8361 દસ્તાવેજો થતા સ્ટેમ્પ ડયુટી પેટે રૂ. 110.72 કરોડની આવક થઈ
સરકારે નવી જંત્રીનો અમલ 45 દિવસ સુધી મોકૂફ કર્યો હતો. જેમાં અત્યાર સુધી 44 દિવસ થઈ ગયા છે અને આ 44 દિવસના સમયગાળા દરમિયાન જૂની જંત્રી મુજબ કુલ 31680 દસ્તાવેજ થયા છે. જેનાથી સ્ટેમ્પ ડયુટી પેટે સરકારને રૂ. 288.76 કરોડની આવક થઈ છે. તા.15મી એપ્રિલથી નવી જંત્રી લાગુ થવાની છે જેથી તા.14મી એપ્રિલ જૂની જંત્રી મુજબ દસ્તાવેજ કરવાનો છેલ્લો દિવસ છે તેવુ નથી. પણ આજે આંબેડકર જયંતિ છે અને સબ રજિસ્ટ્રાર કચેરીઓ બંધ છે. જેથી હવે જૂની જંત્રીથી દસ્તાવેજો કરવાની મુદ્દત પૂર્ણ થઈ છે. હવે તા. 15મી એપ્રિલે કચેરીઓ ખુલશે ત્યારથી નવી જંત્રી લાગુ થઈ જશે.