રાજ્યમાં એક વર્ષમાં ક્રિપ્ટો કરન્સી સંબંધિત ક્રાઈમમાં બમણો વધારો થયો છે. જેમાં ઓનલાઈન ક્રાઈમમાં સૌથી વધુ નાણાકીય છેતરપિંડીના 87 ટકા કેસ સામે આવ્યા છે. તેમાં સાઈબર ક્રાઇમ, ગુંડાગીરી, ઓનલાઈન સ્ટેકિંગથી ગુના આચરાય છે. તથા એઆઈ ટૂલ્સના દ્વારા નકલી, મોર્ફ કરેલા વીડિયોથી સેક્સોટોર્શન કરાય છે.
લોકો ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં ક્રિપ્ટોકરન્સી અપનાવે છે
અમદાવાદના એક વેપારીનુ ડિજીટલ વોલેટ ક્રિપ્ટોકરન્સીના પીઅર ટુ પીઅર ટ્રેડિંગ માટે વપરાતુ હતુ. જેણે સંબંધિત ઓથોરિટીએ ફ્રિઝ કર્યું છે. આ વોલેટ આ હાલ નિરીક્ષણ હેઠળ છે. જેમાં ડાર્ક વેબ થકી અજાણ્યા એકાઉન્ટમાંથી ક્રિપ્ટો વેચવાની બાબત જાણવા મળી છે. જેના લીધે, આ વેપારી પણ સાયબર ટીમની નજર હેઠળ આવી ગયો છે. નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન(1930)ને રાજ્યમાંથી વર્ષ 2022માં કુલ 192 અરજીઓ મળેલી છે. વર્ષ 2021માં આ પ્રકારની કુલ 79 ફરિયાદો મળેલી. વર્ષ 2022માં આ ફરિયાદનો આંકડો બમણો થઈ ચુક્યો છે. સાયબર નિષ્ણાતોના મતે, ઘણા લોકો ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં ક્રિપ્ટોકરન્સી અપનાવે છે.
ડિજીટલ ઉપકરણોના પર વધુ આધારિત બન્યા બાદ કોવિડ કાળથી છેતરપિંડી વધી
જ્યારે એસ્ક્રો એકાઉન્ટ અથવા થર્ડ પાર્ટી એપ્લિકેશનના ઉપયોગ સહિતની સલામતી સુવિધાઓની વાત આવે, ત્યારે ઘણીવાર તે મળતી નથી. હેકર્સ આ નબળાઈનો ઉપયોગ કરે છે અને આવા વહેવારોને લક્ષ્યાંક બનાવે છે. આ માત્ર ક્રિપ્ટોમાં જ બને છે તેવુ નથી. ડિજીટલ ઉપકરણોના પર વધુ આધારિત બન્યા બાદ કોવિડ કાળથી છેતરપિંડી, ખંડણી, જુગાર, અને હેકિંગનો ટ્રેન્ડ શરુ થયો છે.
સોશિયલ મિડીયા અને નાણાકીય છેતરપિંડી સંબંધિત 93 ટકા ફરિયાદો
રાજ્યમાં સ્થિત નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ( એનસીસીઆરપી)ના મતે, વર્ષ 2021માં 17,237 કેસ નોંધાયેલા અને વર્ષ 2022માં તેની સંખ્યા વધીને 80,681 થઈ છે. દરરોજ સરેરાશ 47 થી 221 ફરિયાદો થાય છે. જેમાં, સૌથી વધુ 87 ટકા એટલે કે 70,183 ફરિયાદો નાણાકીય છેતરપિંડીની છે. જ્યારે સોશિયલ મિડિયા સંબંધિત 5,188 ફરિયાદો છે. આમ, કુલ ફરિયાદોમાંથી સોશિયલ મિડીયા અને નાણાકીય છેતરપિંડી સંબંધિત 93 ટકા ફરિયાદો છે. આ બાબત નાગરિકોને સીધી અસર કરે છે એટલે અધિકારીઓ આ બાબત પર વધુ ધ્યાન આપે છે.
પિડીતોને મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક રીતે કાઉન્સિલિંગ શરુ કરાયુ
સાયબર સેલના ઉચ્ચ અધિકારીના મતે, ગુનેગારો હવે વધુ સ્માર્ટ બન્યા છે અને તેઓ સતત તેમના ગુનો કરવાની રીતમાં બદલાવ કરી રહ્યા છે. છેતરપિંડીના અનેક કેસમાં નવી બોટલમાં જુનો દારુ નાખવા સમાન જ છે. જો કે, આજના ડિજીટલ યુગમાં આ ગુનેગારો ભોળા લોકોને નિશાન બનાવે છે. આ માધ્યમ કમ્પ્યુટર અથવા લેપટોપથી સ્માર્ટફોન તરફ વધ્યું છે. આ પ્રકારના ગુના જ્યારે બને છે ત્યારે સારવાર કરતા તકેદારી વધુ સારી છે. આ માત્ર વ્યક્તિ પૂરતુ નથી, ઘણીવાર નાની પેઢીઓને સંગઠિત જૂથ દ્વારા લક્ષ્યાંક બનાવાય છે. સીઆઈડી ક્રાઈમ ખાતેના સાયબર સેલના ઉચ્ચ અધિકારીના મતે, સાયબર ગુંડાગીરી, ઓનલાઈન સ્ટેકિંગ અને એઆઈ ટુલ્સ કે જેના દ્વારા નકલી અને મોર્ફ કરેલા વિડીયો બનાવીને લોકોનુ સેક્સોટોર્શન કરાય છે. આ બાબતને નિવારવા માટે પિડીતોને મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક રીતે કાઉન્સિલિંગ શરુ કરાયુ છે.