કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટના 100થી વધુ મંદિરોમાં પોસ્ટરો લાગ્યા, ટૂંકા વસ્ત્રો પહેરીને આવશો તો પ્રવેશ નહીં મળે

રાજકોટ, 5 ડિસેમ્બર 2023: દેશના અનેક મોટા મંદિરોમાં વસ્ત્રોને લઈ કડક નિયમો બનાવવામાં આવ્યાં છે. ગુજરાતમાં કેટલાક સમયથી સોમનાથ અને દ્વારકા જેવા મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવતાં શ્રધ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે હવે રાજકોટમાં પણ મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરી શકાશે નહીં. શહેરના 100થી વધુ મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીના આવતા શ્રધ્ધાળુઓ પર પ્રતિબંધ લગાવાયો છે. સનાતન સ્વરાજના યુવાનોએ મંદિર પરિસરમાં પોસ્ટરો લગાવ્યાં છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે, કોઈ પણ વ્યક્તિએ ટૂંકાં વસ્ત્રો જેમ કે કેપ્રી, બરમુડા, સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ પહેરીને પ્રવેશ કરવો નહીં.

ભગવાનની મર્યાદા જળવાય તેવાં વસ્ત્રો પહેરવાં જોઈએ
રાજકોટના મંદિરોમાં પોસ્ટર લગાવનાર સનાતન સ્વરાજ સંસ્થાના કાના કુંબાવતે મીડિયાને જણાવ્યું હતું કે,અમારા સહિત વિવિધ હિન્દુ સંગઠનના મિત્રો દ્વારા હાલમાં રાજકોટનાં મંદિરોમાં પોસ્ટર લગાવવાની કામગીરી ચાલુ છે. જેનો મુખ્ય હેતુ એ છે કે, ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં ન આવવું જોઈએ. કોઈપણ કપડાં પહેરવાની સામે અમારો વિરોધ નથી. પરંતુ મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા જતાં હોય ત્યારે મર્યાદા જળવાય તેવાં વસ્ત્રો પહેરવાં જોઈએ. બરમુડા, ફાટેલા જીન્સ તેમજ ટૂંકાં કપડાં પહેરીને મંદિરમાં દર્શન કરવા એ હિન્દુ સંસ્કૃતિ મુજબ યોગ્ય નથી.

હજુ વધુ 50 જેટલાં મંદિરોમાં પોસ્ટર લગાવાશે
રાજકોટમાં પોસ્ટર લગાવનાર સંગઠને મીડિયાને જણાવ્યું હતું કે, એકાદ મહિના પહેલાં જ અમને આવો વિચાર આવ્યો હતો. મંદિરોમાં કેટલાક લોકો ટૂંકા વસ્ત્રો પહેરીને આવે છે જે યોગ્ય નથી. અમે આ પ્રકારનાં પોસ્ટરો બનાવ્યાં હતાં અને ગઈકાલથી પોસ્ટર લગાવવાનું શરૂ કરી અત્યાર સુધી 100થી વધુ મંદિરોમાં ટૂંકાં વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતાં પોસ્ટરો લગાવ્યાં છે. જેમાં મંદિરના ટ્રસ્ટીઓ, પૂજારીઓ અને દર્શન માટે આવતા લોકોનું સમર્થન પણ અમને મળી રહ્યું છે.મંદિરના પૂજારીઓને સૂચન કરવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ કે જેમણે ટૂંકાં અથવા ફાટેલાં કપડાં પહેર્યાં હોય તો તેમને પ્રવેશ આપવો નહીં. આગામી દિવસોમાં હજુ વધુ 50 જેટલાં મંદિરોમાં આ પ્રકારે પોસ્ટર લગાવાશે.

આ પણ વાંચોઃ નકલી ટોલનાકા મુદ્દે સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલે કહ્યું, મારા પુત્રની કોઈ સંડોવણી નથી

Back to top button