તમે સેલિબ્રિટી હશો, પણ સંસદની ગરિમાનું ધ્યાન રાખોઃ રાજ્યસભા અધ્યક્ષે કોને તતડાવી નાખ્યા? જાણો
નવી દિલ્હી, 9 ઓગસ્ટ, 2024: તાજેતરની લોકસભા ચૂંટણીમાં શાસક યુતિને હરાવી નહીં શકેલા વિપક્ષો હવે લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષો, ચૂંટણીપંચ, ઈડી, સીબીઆઈ વગેરે સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે. આ જ કારણે સંસદના વર્તમાન સત્રમાં લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોએ વિપક્ષીઓના હોબાળા સામે આકરું વલણ લેવું પડે છે. હજુ ગઈકાલે જ, અર્થાત ગુરુવારે તો રાજ્યસભામાં હદ થઈ ગઈ હતી. ટીએમસીના ડેરેક ઓબ્રાયન સહિત અમુક વિપક્ષી સાંસદોએ રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું એ હદે અપમાન કર્યું કે ધનખડ વ્યથિત થઈને ચાલુ સંસદે ઊભા થઈને તેમની ચેમ્બરમાં ચાલ્યા ગયા હતા.
આજે શુક્રવારે પણ રાજ્યસભામાં ફરીથી આવાં દૃશ્યો સર્જાયાં હતા. સમાજવાદી પક્ષના સાંસદ અને ભૂતપૂર્વ અભિનેત્રી જયા બચ્ચન તથા અધ્યક્ષ જગદીપ ધનખડ વચ્ચે તનાતની થઈ ગઈ હતી. પોતાની બેફામ વર્તણૂક માટે જાણીતા સપા સાંસદ જયા બચ્ચને ગૃહના અધ્યક્ષ ઉપર ખોટા આક્ષેપો કરીને તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.
જયા બચ્ચને પોતાના વક્તવ્ય દરમિયાન કહ્યું, “હું જયા અમિતાભ બચ્ચન કહેવા માગું છું કે હું કલાકાર છું. બૉડી લેન્ગવેજ સમજું છું અને ચહેરાના હાવભાવ સમજું છું. સર, માફ કરજો તમારો બોલવાનો ટોન મને સ્વીકાર્ય નથી. તમે ભલે અધ્યક્ષની ખુરશી ઉપર બેઠા હોવ પણ અમે તમારા સાથીદાર છીએ.”
જયાના આવા બેહૂદા નિવેદનથી અધ્યક્ષ જગદીપ ધનખડ નારાજ થઈ ગયા હતા અને તેમણે આકરા શબ્દોમાં કહ્યું, “જયા જી, મહેરબાની કરીને તમે બેસી જાવ. તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ છો. તમે જાણો છો કે અભિનેતાએ દિગ્દર્શકની સૂચના મુજબ કામ કરવાનું હોય છે. તમે એ બધું નથી જોયું જે આ સ્થાને બેસીને મેં જોયું છે. તમે મારા ટોન વિશે વાત કરો છો? બસ હવે બહુ થઈ ગયું. તમે સેલિબ્રિટી હશો, પરંતુ તમારે અહીં ગૃહની ગરિમાનું ધ્યાન રાખવું પડશે.”
આ ઘટના પછી ગૃહમાંથી બહાર નીકળ્યા બાદ જય બચ્ચને મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિનું નામ લીધા વિના જયાએ કહ્યું કે, મને આ રીતે ધમકાવનાર એ કોણ છે? હું કોઈને આવી સ્વતંત્રતા આપતી નથી. મારી સાથે અપમાનજનક વર્તન થયું છે. જયા બચ્ચનને મતે પોતે સેલિબ્રિટીની હેસિયતથી નહીં પરંતુ રાજ્યસભાના સાંસદની હેસિયતથી અહીં આવ્યા છે. તેમણે કહ્યું કે, હવે આગળ વિરોધપક્ષના નેતા જે કહેશે તે પ્રમાણે કરીશું.
આ પણ વાંચોઃ કોંગ્રેસના તમામ 99 સાંસદોને ગેરલાયક ઠેરવવા અને પાર્ટી પર પ્રતિબંધ મૂકવાની માંગ, જાણો શું છે સમગ્ર મામલો