ચોમાસામાં કાર લઈને નીકળો છો ! રાખો આટલી વાતોનું ધ્યાન
ચોમાસું આવતા મોટાભાગના કાર માલિકોના ખર્ચાઓ વધી જતાં હોય છે. કાર સર્વિસ એ અંગત પંસદગી હોતી નથી. પરંતુ સમયાંતરે કારની સર્વિસ જરૂરી હોય છે. તેમાં પણ ખાસ કરીને ચોમાસામાં અણધાર્યા વરસાદના કારણે કાર ચાલકોને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આવી પરિસ્થીતીમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાયા હોય છે, ત્યારે કાર ચાલકો જો સાવચેતી અને સમજદારીથી કામ લે તો આ સ્થિતિમાં તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
ભારતમાં સૌથી વધુ કાર અકસ્માતો ચોમાસાની સિઝનમાં થાય છે. જેનું મુખ્ય કારણ એ છે કે કાર ચાલકો પાસે કારની કાળજી રાખવાની પૂરતી માહિતી નથી હોતી. ઘણા એવા લોકો છે, જેમને ચોમાસા દરમિયાન કારને થતા નુકસાનનું વળતર કેવી રીતે મેળવું તેની માહિતી નથી. ભારત સરકારના વાહનને લગતા એક નિયમ મુજબ, દરેક વાહન માલિક, ભલે તેમની પાસે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર પરંતુ વીમો હોવો જ જોઈએ. એક અભ્યાસ પ્રમાણે ભારતીય રસ્તાઓ પરના લગભગ 50% વાહન ચાલકો પાસે યોગ્ય કાર વીમા પોલિસી નથી. આપણા દેશની સૌથી મોટી વરસાદી આફત કે જેણે વીમા ક્ષેત્રને 26 જુલાઈ 2005 માં મુંબઈ પૂરમાં મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાથી સમગ્ર સેક્ટરને મોટું નુકસાન થયું હતું. જેમાં લોકલ ટ્રેન, ઓટો રીક્ષા, કેબ, લોકલ બસ, ટ્રક, ટેમ્પો, ફોર વ્હીલર અને ટુ વ્હીલરનો સમાવેશ થાય છે.
ચોમાસામાં કાર ચાલકે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
ચોમાસા દરમિયાન, ત્રણ મુખ્ય પરિબળો છે જે તમારા વાહનને નુકસાન પહોંચાડે છે. જેમાં ધ્યાનમાં રાખવા જેવી પહેલી બાબતે છે- પાણી ભરાયેલી શેરીઓ, મોટા ખાડાઓ અને ગંદકી. વ્યક્તિએ પોતાની કારને બચાવવા અને નુકસાનને નિયંત્રણમાં રાખવા માટે અમુક સાવચેતીના પગલાં લેવા જોઈએ. સીઝન શરૂ થાય તે પહેલા તમારી કારને નિયમિત સર્વિસ માટે મોકલો. એન્જિન ઓઇલ, એર ફિલ્ટર અને ફ્યુઅલ ફિલ્ટર બદલવું આવશ્યક છે. કારનું સસ્પેન્શન અને સાયલેન્સર સારી રીતે તપાસવું જોઈએ. કારણ કે, આ સિઝનમાં આ બન્નેને સૌથી વધુ અસર થાય છે. તમારી કારના ટાયર પણ તપાસો. તમારી કારના ટાયર પરની પેટર્ન ઊંડા હોવા જોઈએ નહીંતર કાર રસ્તા પર લપસી જવાની શક્યતા છે જે જોખમી છે. ઉપરાંત, તમારી કારની આવશ્યક લાઇટ જેમ કે ટેલ લાઇટ, હેડ લેમ્પ, ઇમરજન્સી લાઇટ અને પાર્કિંગ લાઇટ તપાસો. જો તેઓ યોગ્ય રીતે કામ ન કરતા હોય તો તેમને બદલવા જોઈએ. સૌથી મહત્વપૂર્ણ પાર્ટ બ્રેક છે. એટલે સલામત ડ્રાઈવીંગ માટે કારની બ્રેક્સ યોગ્ય રીતે તપાસો. તમારી કારના વાઇપર્સ તપાસો. જો તે અવાજ કરે છે, તો વાઇપર બદલવા જોઈએ.
પાણી ભરાયેલા વાહનોની ચાલુ કરવાની અને સફાઈ કરવાના અમુક નિયમો જે વીમા કંપનીના ક્લેમ કરતી વખતે આપણને બેનિફિટ્સ આપે છે. જો પાણીમાં ભરાયેલ વ્હીકલ હોય તો તેને નજીકના ઓથોરાઇઝ કંપનીના સર્વિસ સેન્ટરમાં મોકલવુ અથવા તેમને જાણ કરીને તેમની હાજરીમાં વ્હીકલને ચેક કરવુ.
વધારે પડતા વરસાદમાં વ્હીકલમાં પાણી જતાં એન્જિન અથવા તેના લગતા પાર્ટ્સ માટે વીમા કંપનીના નિયમ પ્રમાણે આપણે ક્લેમ કરીને તેનો ફાયદો મેળવી શકીએ.
-
- પાણીમાં ભરાયેલા વાહનોને એકદમ ચાવી લગાવીને ચાલુ કરવા અથવા ચલાવવાનો પ્રયાસ ના કરવો , જ્યા સુધી તેનો પૂરતુ નિરીક્ષણ ન થઈ જાય.
- પાણીમાં પડેલ વ્હીકલને નીકાળીને પૂરતી સફાઈ કરવી જોઈએ તેના બોડીના પાર્ટ્સ નીચેથી અને સીટ નીચેથી જેટલી પણ ગંદકી હોય દૂર કરવી જોઈએ.
- ખાસ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આવી સ્થિતિમાં વ્હીકલ ની અંદર કોઈ સાપ અથવા અન્ય ઝેરી જીવજંતુ ના હોય તે ચકાસવું.
- જો વ્હીકલ પેટ્રોલ ટેન્ક સુધી ડૂબી ગયું હોય તો સમજવું કે તેની ટાંકીના અંદર પાણી આવી ગયું હશે તો તેને ચાલુ કરવું જોઈએ નહીં.
- એન્જિનમાં પાણી ભરાઈ જવાની શક્યતા વધુ હોય છે તેથી તેની અંદર સફાઈ કરાવીને નવું ઓઇલ બદલવું.
- પાણી ભરાવાના કારણે ઇલેક્ટ્રીક પાર્ટ્સ ચેક કરાવીને તેની અંદર સફાઈ કરાવ્યા પછી જ વ્હીકલના ઇલેક્ટ્રીક પાર્ટ્સ અથવા સિસ્ટમને ચાલુ કરવી જોઈએ.
- વ્હીકલના બ્રેક લાઈનર્સ, બ્રેક પેડ અને ડ્રમની ખાસ ચકાસણી કરાવવી.
- જે વ્હીકલ પૂરના પાણીમાં ફસાયેલ હોય તો શક્ય હોય તો તેના ઘટના સ્થળના મોબાઇલથી ડેટ વાળા ફોટા પાડી લેવા જેનાથી આપણને ક્લેમ કરતા વીમા કંપનીમાં તેને બતાવીને આસાનીથી ક્લેમ પાસ કરાવી શકાય, જો સીસીટીવી ફૂટેજ વધારાની મદદ પુરી પાડે છે.
- વીમા કંપની ના નિયમ મુજબ વ્હીકલ નો ક્લેમ અકસ્માત અથવા ઘટના થયાના સાત દિવસની અંદર કરવાનો હોય છે એટલે શક્ય તેટલું ઝડપી ક્લેમ કરી લેવો.
- વરસાદની સિઝનમાં બેટરી અને ટાયર ની ચકાસણી કરાવી લેવી.
- ચોમાસા દરમિયાન કારમાં નમકીનના પેકેટ, બિસ્કીટ, ફળો અને પાણીની બોટલ અવશ્ય રાખો કે જેથી આપાતકાલીન સ્થિતીમાં મદદ મળે ત્યાં સુધી રહી શકાય
- મોબાઈલ પૂરતો ચાર્જ રાખવો અને શક્ય હોય તો કારમાં મોબાઈલ ચાર્જર અથવા ફુલ્લી ચાર્જડ પાવર બેન્ક સાથે રાખો.
- ટોઈગ સર્વિસ નંબર હાથવગો રાખવો અથવા કારમાં સ્ટીકર ઉપર લખીને રાખવો.
- પાણી વધારે ભરાઈ જવાથી કારનું લોકિંગ સિસ્ટમ બગડી જાય છે જેથી કારના દરવાજા ખોલી શકતા નથી તેથી સંકટના સમયે કારના કાચ તોડી બહાર નીકળવા માટે નાની હથોળી સાથે રાખવી.
26 જુલાઈ 2005 માં મુંબઈ પૂરની ઘટનામાં જે લોકો કારમાં ફસાયા હતાં, તે સમયે તેમની પાસે પૂરતી માહિતી હોત તો ઘણાં લોકો બચી ગયા હોત. જો તે સમયે કારમાં ફસાયેલા લોકો પાસે નાની હથોડી હોત અથવા કાર હેડ રેસ્ટ રોડની માહિતી હોત તો તેની મદદ થી તેઓ કારના કાચ તોડી બહાર નીકળી પોતાનો જીવ બચાવી શક્યા હોત. સૌથી અગત્યની બાબત તમારી કારને યોગ્ય રીતે સુરક્ષિત કરવા માટે કારનો વીમો મેળવો. કાર પોલિસી તમને વરસાદને કારણે થયેલા નુકસાનને ઓછું કરવામાં મદદ કરે છે. ખાતરી કરો કે તમારી પોલિસી સમયસર રીન્યુ થાય છે. તમે ઓનલાઈન કાર ઈન્સ્યોરન્સ પણ ખરીદી શકો છો.