બે હજારની ચલણી નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ આવી ગઈ, કાઉન્ટડાઉન શરૂ?
રૂપિયા 2000ની ચલણી નોટ બેંકમાં જમા કરાવી દેવાની આખરી મહેતલ 30 સપ્ટેમબર, 2023 છે અને આ મહેતલ પૂરી થવા આડે આજથી, અર્થાત 25 સપ્ટેમ્બરને સોમવારથી પૂરા છ દિવસ બાકી છે, અથવા એવું પણ કહેવાય કે નોટ પરત કરવા કે બદલવા માટે માત્ર છ દિવસ બાકી છે. અલબત્ત, 30 સપ્ટેમ્બર પછી આ ચલણી નોટ વિશે શું નિર્ણય લેવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા હજુ સુધી નથી.
શું ભારતીય રિઝર્વ બેંક 2000ની ચલણી નોટ પરત કરવાની મહેતલ વધારશે?
ભારતીય રિઝર્વ બેંકે આજથી લગભગ સાડા ત્રણ મહિના પહેલાં એટલે કે, 19મેએ રૂપિયા 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધીમાં જમા કરાવી દેવા અથવા તેના બદલામાં અન્ય ચલણી નોટો લેવા સૂચના જારી કરી હતી. હાલ તો એવા કોઈ સંકેત લાગતા નથી કે રિઝર્વ બેંક આ માટે 30 સપ્ટેમ્બર પછી કોઈ મહેતલ વધારે.
રિઝર્વ બેંકે ગત 31 ઑગસ્ટ, 2023 સુધી 93 ટકા પરત આવી હોવાની ગયા મહિને જણાવ્યું હતું. આમ 25 દિવસ પહેલાંની સ્થિતિએ સાત ટકા અર્થાત રૂપિયા 24000 કરોડની 2000ની બેંકનોટ બજારમાં હતી.
રિઝર્વ બેંકના અહેવાલ મુજબ, જે 97 ટકા પરત આવી હતી તે પૈકી 87 ટકા નાગરિકોએ જમા કરાવી અને બાકીની નોટોની સામે નાગરિકોએ 500 અને તેથી ઓછા મૂલ્યની નોટોની બદલી કરી.
રિઝર્વ બેંકે નક્કી કરેલી સમય મર્યાદા હવે નજીક આવી ગઈ છે ત્યારે આ બાબતમાં છેલ્લે સ્થિતિ શું છે તેના વિશે કોઈ સ્પષ્ટતા નથી અને તેથી જ નાગરિકોએ છેલ્લા દિવસે, છેલ્લા કલાકમાં પોતાની પાસે પડી રહેલી 2000 રૂપિયાની નોટો જમા કરાવવા દોડાદોડી કરવી પડે અથવા એ માટે મુદત વધારવાની માગણી કરવી પડે તેના બદલે તેમની પાસે હજુ છ દિવસ છે એ વાતને ધ્યાનમાં લેવી જોઇએ.
તમારા ડીમેટ ખાતામાં નોમિનેશન કરાવ્યું? 30મી સુધીમાં એ પણ જરૂરી
આ ઉપરાંત, બીજી એક અગત્યની બાબત પણ નાગરિકોએ ધ્યાનમાં લેવાની જરૂર છે. જો તમે ડીમેટ ખાતું ધરાવતા હોવ અને તેમાં હજુ સુધી તમારા પરિવારની કોઈ વ્યક્તિનું નોમિનેશન ન કરાવ્યું હોય તો તેની આખરી મહેતલ પણ 30 સપ્ટેમ્બર જ છે.
વિવિધ નાણા સંસ્થાઓ, જે ડીમેટ ખાતાંનું સંચાલન કરે છે તેમના તરફથી છેલ્લા ઘણા મહિનાથી ડીમેટ ખાતાધારકોને નોમિનેશન કરાવી લેવા માટે SMS તેમજ ઈમેલ મારફત સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ RBI ગવર્નર શક્તિકાંત દાસે બે હજારની નોટ પરત ખેંચવા પર આપ્યું મોટું નિવેદન; કહ્યું- નકારાત્મક અસર….