ટ્રેન્ડિંગનેશનલ

પોતાની ધાર્મિક માન્યતા બીજા પર ન ઠોકી બેસાડો, જાણો મૌલવી પર કેમ ભડકી હાઇકોર્ટ

કોચી, તા.9 ઓક્ટોબરઃ કેરળ હાઇકોર્ટે પોતાની ધાર્મિક માન્યતા બીજા પર ન ઠોકી બેસાડો તેમ કહી મૌલવી પર ભડકી હતી. કેરળ હાઇકોર્ટે મૌલવી અબ્દુલ નૌશાદને એક મુસ્લિમ છોકરી દ્વારા એક મંત્રી સાથે હાથ ન મીલાવવાના કેસમાં કોઈ રહાત આપી નહોતી. કોર્ટે મૌલવી નૈશાદ સામે કેરળ પોલીસની કાર્યવાહી પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી.

ક્યારનો અને શું છે આ મામલો

આ મામલો 2016નો છે. એક યુવતિ ઇન્ટરેક્ટિવ સેશન દરમિયાન સ્ટેજ પર આવી અને કેરળના નાણા મંત્રી ટી.એમ.ને મળી હતી અને તેમની સાથે હાથ મિલાવ્યા હતા. ત્યારબાદ મૌલવી અબ્દુલ નૌશાદે સોશિયલ મીડિયા પર આ ઘટનાની નિંદા કરી અને તેને ઈસ્લામિક કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું.

તેણે હાથ મિલાવવાની ઘટનાને ‘હરામ’ અને ‘ઝીના’ (વ્યભિચાર) ગણાવી હતી, જેના કારણે યુવતિ અને તેના પરિવારની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી હતી. આ ઘટના બાદ યુવતિના પરિવારે અબ્દુલ નૌશાદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અબ્દુલ નૌશાદ સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. નૌશાદે આ કાર્યવાહીને રદ કરવાની માંગણી સાથે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી.

હાઈકોર્ટે શું કહ્યું

કેરળ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે વ્યક્તિની ધાર્મિક માન્યતાઓ વ્યક્તિગત હોય છે અને તેને બીજા પર થોપવાનો કોઈને અધિકાર નથી. બંધારણની કલમ 25ને ટાંકીને કોર્ટે કહ્યું કે તમામ નાગરિકોને તેમની ધાર્મિક માન્યતાઓનું પાલન કરવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ પોતાની માન્યતાઓ અન્ય પર લાદી શકે છે. કોર્ટે કુરાનની કલમોનો પણ ઉલ્લેખ કર્યો, જે કહે છે કે ઇસ્લામમાં પણ વ્યક્તિગત સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે. જસ્ટિસ પી.વી. કુન્હિકૃષ્ણનની બેન્ચે કહ્યું કે ઇસ્લામિક દૃષ્ટિકોણથી હાથ મિલાવવું હરામ હોઈ શકે છે, પરંતુ તે વ્યક્તિગત વિશ્વાસ અને પસંદગી પર આધારિત છે.

કોર્ટે એમ પણ કહ્યું કે આવા કિસ્સાઓમાં નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવું બંધારણ અને સમાજની ફરજ છે. કોર્ટે કહ્યું કે આ છોકરીએ પોતાની ધાર્મિક આસ્થાની સ્વતંત્રતાનો ઉપયોગ કર્યો છે અને આવી સ્થિતિમાં બંધારણ તેનું રક્ષણ કરશે. કોર્ટે પોતાના નિર્ણયમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ ધાર્મિક કાયદો ભારતીય બંધારણથી ઉપર નથી, અને બંધારણની સર્વોચ્ચતા સુનિશ્ચિત કરવી જોઈએ. આમ, કોર્ટે અબ્દુલ નૌશાદ સામે ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવાનો આદેશ આપ્યો અને ટ્રાયલ કોર્ટને વહેલી તકે ટ્રાયલ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો.

આ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણીઃ આ સીટ પર ભાજપના ઉમેદવારની માત્ર 32 મતથી થઈ જીત

Back to top button